પેગાસસ મામલે વોટ્સએપની મોટી જીત, અમેરિકાની કોર્ટે હેકિંગ બદલ NSO સમૂહને જવાબદાર ઠેરવ્યો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Pegasus Spyware Case: પેગાસસ સ્પાયવેર (Pegasus Spyware) મામલે મેટા(Meta)ની મેસેજિંગ ઍપ્લિકેશન વોટ્સએપ(WhatsApp)એ NSO ગ્રૂપ ટૅક્નોલૉજીસ સામે અમેરિકાની કોર્ટમાં કાયદાકીય લડાઈમાં મોટી જીત મેળવી છે. NSO ગ્રૂપ પર મે 2019માં બે અઠવાડિયા દરમિયાન 1,400 લોકોના ફોનને પેગાસસ સ્પાયવેરથી હેક કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેમાં પત્રકારો, માનવાધિકાર કાર્યકર્તાઓ અને સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે.

જાણો શું છે મામલો

- Advertisement -

પેગાસસ સ્પાયવેર કોઈ પણ ફોન અથવા ઈલેક્ટ્રોનિક ઉપકરણ પર ગુપ્ત રીતે દેખરેખ રાખવા અને માહિતી એકત્રિત કરવા માટે જાણીતું છે. તેનો ઉપયોગ વોટ્સએપ દ્વારા લોકો સાથે સંબંધિત માહિતીની ચોરી કરવા માટે કરવામાં આવતો હતો.

અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ ફિલિસ હેમિલ્ટને વોટ્સએપની તરફેણમાં ચુકાદો આપ્યો છે, જેમાં NSO ગ્રૂપને રાજ્ય અને ફેડરલ હેકિંગ કાયદાના ઉલ્લંઘન માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે એ પણ જણાવ્યું હતું કે, ‘NSO ગ્રૂપે WhatsAppની સેવાની શરતો અને અમેરિકા કોમ્પ્યુટર ફ્રોડ ઍન્ડ એબ્યુઝ ઍક્ટનું ઉલ્લંઘન કર્યું છે, જેનાથી સ્પાયવેર નિર્માતાને મોટો ફટકો પડ્યો છે.’

- Advertisement -

ચુકાદો સંભળાવતા ડિસ્ટ્રિક્ટ જજ ફિલિસ હેમિલ્ટને કહ્યું કે, ‘NSO ગ્રૂપે કાયદાકીય પ્રક્રિયામાં અવરોધ ઊભો કર્યો કારણ કે તેણે વોટ્સએપને પેગાસસ સ્પાયવેરનો સોર્સ કોડ પૂરો પાડ્યો ન હતો, તેમ છતાં તેને 2024ની શરુઆતમાં આવું કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેના બદલે, કંપનીએ કોડ ફક્ત ઈઝરાયલમાં જ ઉપલબ્ધ કરાવ્યો અને માત્ર ઈઝરાયલના નાગરિકો માટે સીમિત રાખ્યું હતું.’

ઉલ્લેખનીય છે કે, હવે NSO ગ્રૂપ માર્ચ 2025માં જ્યુરી ટ્રાયલનો સામનો કરશે તે નક્કી કરવા માટે કે વોટ્સએપને કેટલું વળતર ચૂકવવું જોઈએ.

- Advertisement -
Share This Article