એક સમયે 100 રૂપિયા કમાતી આ મહિલાઓએ ઉભુ કર્યું 17 લાખનું સામ્રાજ્ય, અન્યને પણ આપે છે રોજગારી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

ડાંગ: જિલ્લાના આહવામાં રહેતી મહિલાઓ અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે. આ મહિલાઓ એક સમયે માત્ર 100 રૂપિયા રોજની કમાણી કરતી હતી. આજે વાર્ષિક 17 લાખ રૂપિયા ખાદ્ય ખોરાક વેચીને મેળવી રહી છે. હાલ તેઓ કેવા પ્રકારની વસ્તુઓ વેચે છે અને કેવી રીતે તૈયાર કરે છે તે જાણીએ.

આ 10 મહિલાઓની સફળતાની કહાની 2007માં શરૂ થઈ, જ્યારે ભારતીબેન પટેલ અને તેમની 10 સાથી બહેનોએ “સખી મંડળ”ની સ્થાપના કરી હતી. 2009માં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને નવસારી કૃષિ યુનિવર્સિટી વઘઈના માર્ગદર્શન હેઠળ, તેમણે નાગલીના પાપડ અને બિસ્કિટ બનાવવાની તાલીમ લીધી હતી. શરૂઆત નાનકડા ઘરેલું ઉદ્યોગથી થઈ, જે આજે વિશાળ વ્યવસાય બની ગયો છે.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “આત્મનિર્ભર ભારત”ના સ્વપ્નને સાકાર કરતી આ મહિલાઓએ કોરોના કાળમાં પણ હિંમત ન હારી. આજે તેમના ઉત્પાદનો માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દિલ્હી સુધી પહોંચે છે. સરકારી મેળાવડા અને કૃષિ મેળામાં તેમના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બને છે.

ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ, આ મહિલાઓએ સ્થાનિક ખેડૂતો પાસેથી ઓર્ગેનિક ધાન્ય ખરીદી, તેની સાફ-સફાઈ કરી, આકર્ષક પેકેજિંગ સાથે બજારમાં વેચાણ શરૂ કર્યું. ખાસ કરીને, તેમના ઉત્પાદનોમાં કેલ્શિયમ અને આયર્નનું ઊંચું પ્રમાણ હોવાથી, તે આરોગ્યપ્રદ વિકલ્પ તરીકે ઓળખાય છે.

- Advertisement -

2009થી અમદાવાદના “સૃષ્ટિ વિકાસ મંડળ” સાથે જોડાયેલી આ મહિલાઓ, આજે માત્ર રોટલા કે પાપડ જ નહીં, પરંતુ બાળકો માટે પૌષ્ટિક નાસ્તા પણ બનાવે છે. આજે આ સખી મંડળની દરેક બહેન આર્થિક રીતે સ્વાવલંબી બની છે. તેમની આ કમાણીથી ઘરખર્ચ, બાળકોનું શિક્ષણ અને અન્ય વ્યવહારિક ખર્ચ સરળતાથી પૂરા થાય છે.

આ સફળતા કહાની દર્શાવે છે કે, મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માત્ર શબ્દો નથી, પરંતુ વાસ્તવિકતા છે. ડાંગની આ મહિલાઓએ સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય અને મહેનત સાથે કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.

- Advertisement -
Share This Article