Canada Visa News: એક સમયે એવો હતો કે દરેક પરિવારોમાંથી કોઈને કોઈ કેનેડા જતું હોય કે કેનેડા જવા માટેની તૈયારી કરી રહ્યું હોય તેવું જોવા મળતું હતું. પરંતુ પાછલા લગભગ દોઢ વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે. કેનેડા જનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને કેનેડાએ કેટલાક વિઝા અને ઈમિગ્રેશનના નિયમનો બદલાતા જેઓ કેનેડામાં હતા તેમણે પણ બધું છોડીને પાછા આવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આવામાં હવે કેનેડાની માહિતીથી જાણકાર હેમંત શાહે 2025 અને તે પછી ઈમિગ્રેશન બાબતે શું થઈ શકે છે તે અંગે સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે કેનેડા જવા માગે છે કે એવા વાલીઓ કે જેઓ પોતાના દીકરા-દીકરીને કેનેડા મોકલવા માગે છે તેમને મોટો આંચકો લાગી શકે છે.
કેનેડામાં વિઝા અને ઈમિગ્રેશન મામલે કેટલાક મોટા નિર્ણયો લીધા બાદ જે સરકારે નિર્ણયો લીધા તેના પર જ ખતરો આવીને ઉભો છે. આવી સ્થિતિમાં જસ્ટ્રીન ટ્રુડો કેનેડાના પીએમ તરીકે બહુ ઓછા દિવસના મહેમાન છે આગામી દિવસોમાં કેનેડામાં પીએમ બદલાશે કે આખી સરકાર જ બદલાઈ જશે તેનો ખ્યાલ આવશે. જસ્ટીન ટ્રુડોએ રાજીનામાની વાત કરી છે અને હવે 25મી માર્ચે લિબરલ પાર્ટી હાઉસ ઓફ પાર્લામેન્ટમાં આવશે. એટલે કે 25 માર્ચ સુધીમાં કેનેડામાં લિબરલ પાર્ટીના નવા લિડરની પસંદગી કરવામાં આવશે. જે બાદ પાર્લામેન્ટમાં હાઉસ ઓફ કોમન ચાલશે. જે પછી કેનેડામાં આગામી કેન્દ્રીય ચૂંટણી ક્યારે યોજાશે તેનો નિર્ણય લેવાશે.
કેનેડાવાળા મોટાભાઈથી જાણીતા હેમંત શાહે હવે કેનેડામાં જે રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે તેને જોતા સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025માં ચૂંટણી યોજાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. એટલે કે નવી સરકાર આવશે તેના પર સૌથી મોટો વિષય ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટસ કે ઈમિગ્રેશનનો જરાય નહીં હોય, કારણ કે આ સિવાય કેનેડાના લોકો કેટલીક બાબતોને લઈને ભારે તંગ છે અને તેમાં સુધાર આવે તે બહુ જરુરી હશે.
હેમંત શાહ કહે છે કે, કેનેડાની હેલ્થકેર સિસ્ટમ, આર્થિક સ્થિતિ, અમેરિકા સાથેના બંધો, મોંઘવારી વગેરે મુદ્દા બહુ જ મહત્વના હશે અને તેના પર નવી સરકાર સૌથી પહેલા ફોકસ કરશે. આવામાં નવી સરકારની કામગીરી શરુ થયા બાદ લગભગ 1 વર્ષ સુધી આ પ્રકારના કામ ચાલ્યા બાદ ઈમિગ્રેન્ટ્સ અંગે વિચાર કરવામાં આવી શકે છે.
હેમંત શાહનું માનવું છે કે, 2025 દરમિયાન સંપૂર્ણ રીતે વિઝા આપવાનું કે ઈમિગ્રેશનની કામગીરી બંધ નહીં થાય પરંતુ તેની ગતિ બહુ ધીમી પડી શકે છે. જે દરમિયાન કોઈ મોટા નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ પણ ઓછી છે. આ અંગે જો કોઈ મોટા નિર્ણય લેવાશે તો તે વર્ષ 2026માં લેવાઈ શકે છે.
મોટાભાઈથી જાણીતા હેમંત શાહ કેનેડાથી ન્યૂઝ18 ગુજરાતી સાથે જોડાઈને વિદ્યાર્થીઓના, ભારત-કેનેડાના સંબંધો, ભારત કેનેડા ટ્રેડ વગેરે પણ વાત કરી ચૂક્યા છે. જેમાં તેમણે ભારતથી ખાસ કરીને ગુજરાતી યુવાનો કેનેડા આવવા માગતા હતા તેમને એક પોઝ લેવાની સલાહ આપતા હતા.
વર્ષ 2024માં હેમંત શાહે કેનેડા આવવા માટે યુવાનોનો જે ધસારો હતો તે અંગે તેમને સ્થિતિ પ્રમાણે ઉતાવળ ન કરવાની સલાહો પણ આપી હતી. બીજી તરફ વિઝા કન્સલ્ટન્ટ દ્વારા ઘણાં યુવાનોને અંધારામાં રાખ્યાની બાબતો પણ સામે આવી હતી.