Future Of America: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ આવશે તો શું થશે તેવી ચર્ચાઓ પાછલા 1 વર્ષથી અમેરિકા જ નહીં પરંતુ ભારત સહિત દુનિયાભરના દેશમાં થતી હતી. જોકે, હવે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈ લીધા છે અને ‘અમેરિકા ફસ્ટ’ અને ‘અમેરિકા ગ્રેટ અગેઈન’ની નીતિ સાથે તેઓ કામ કરવા માટે તૈયાર થઈ ગયા છે, શપથ લેવાની સાથે જ તેમણે જે વાયદા ચૂંટણી પ્રચાર દરમિયાન કર્યા હતા તેના પર કામ કરવાનું શરુ કરી દીધું છે. ટ્રમ્પના નિર્ણયો આકરા રહ્યા છે કારણ કે તેઓ એક વેપારી છે અને વેપારને સારો ચલાવવા માટે કપરા લાગે તેવા નિર્ણયો લેવા માટે ખચકાતા નથી તે જ રીતે દેશ ચલાવવા માટે અને દેશના નાગરિકોના હિતમાં જે કોઈ નિર્ણય હોય તે લેવા માટે તત્પર રહ્યા છે. તેમણે ખોટી રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરતા લોકોને અટકાવવા માટે સત્તામાં આવવાની સાથે જ પગલાં ભરવાના શરુ કરી દીધા છે. આવામાં અમેરિકા જવું છે તેમનું શું થશે અને અમેરિકા હવે કેવા પગલાં ભરશે તેવા સવાલો લોકોને થઈ રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા છે તેની ખાસ કરીને ગુજરાતીઓ કે જેઓ અમેરિકા જવા માગે છે તેમના પર કેવી અસરો થઈ શકે છે તે અંગે વાત શરુ થઈ ગઈ છે. અમેરિકામાં ગુજરાતી સમાજના પ્રમુખ વાસુદેવ પટેલે આ અંગે વિસ્તારથી વાત કરી છે, જેમાં તેમણે અમેરિકામાં ભવિષ્ય કેવું હશે તે અંગે કેટલાક મુદ્દે વાત કરી છે.
4 દાયકાથી અમેરિકામાં વાસુદેવ પટેલ વસવાટ કરે છે, તેઓ અમેરિકામાં ટ્રમ્પનું સાશન આવવાથી કેવી અસરો થઈ શકે છે તે અંગે વાત કરીને જણાવે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ રાજકારણી છે પરંતુ મેં જે 8 અમેરિકાના રાષ્ટ્રપતિને જોયા તેમાં તેઓ અલગ છે. ટ્રમ્પ જે કહે છે તે કરી બતાવવા માટે 60 ટકા જેટલા કટિબદ્ધ ચોક્કસ છે.
વાસુદેવ પટેલ આગળ કહે છે કે, ટ્રમ્પે સત્તામાં આવતાની સાથે જ કહ્યું કે, અમેરિકાનો સુવર્ણ કાળ શરુ થઈ ગયો છે. જેનાથી અમેરિકાના નાગરિકોમાં એક થનગનાટ ચોક્કસ આવ્યો છે. તેનાથી ઈમિગ્રન્ટ્સ કેટલા ખુશ છે તે તેમનો જુદો દ્રષ્ટીકોણ હોઈ શકે છે. ટ્રમ્પના નિર્ણયો રાજકારણીની સાથે બિઝનેસમેનને મેળ ખાય છે.
ટ્રમ્પે સત્તામાં આવતા પહેલા પોતાના એડમિન્સ્ટ્રેશન સાથે બેઠક કરી તેમાં જે વચનો આપ્યા છે તેને વળગીને કામ કરવાનો આદેશ આપ્યો છે. કાયદો દેશહિતમાં અવરોધ ઉભો કરે તો તેને બદલવામાં ટ્રમ્પ ખચકાય તેમ નથી.
વાસુદેવ પટેલ કહે છે કે, ટ્રમ્પ જે કહે છે તે કરવા માટે તત્પર રહે છે, તેમની અગાઉના રાષ્ટ્રપતિઓ કરતા અલગ સ્ટાઈલમાં કામ કરવાની રીત છે. તેઓ એક બિઝનેસમેન છે તે પણ આપણે યાદ રાખવું જોઈએ.
વધુમાં તેઓ કહે છે કે, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક આકરા 370ની કલમ સહિતના નિર્ણયો દેશહીતમાં લીધા તે નિર્ણયો અગાઉના વડાપ્રધાન અને સરકારો પણ લઈ શકતી હતી. આ રીતે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ, ઈમિગ્રેશન સહિતના મુદ્દે વાત કરી છે જે અંગે આગામી સમયમાં નિર્ણયો લેવાશે.
અમેરિકામાં ગુજરાતી સમાજના પ્રમુખ વાસુદેવ પટેલે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ઊંડાણમાં વાત કરીને જણાવ્યું છે જેની માહિતી આગામી સમયમાં તમારી સમક્ષ રજૂ કરીશું.