Illegal online betting market: ગેરકાયદે ઓનલાઈન સટ્ટાબજાર 100 અબજ ડોલરથી વધુ થયો

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Illegal online betting market: ભારતમાં ગેરકાયદે જુગાર અને સટ્ટાબજારનો પ્રચાર અને પ્રસાર ખૂબ જ ખતરનાક ગતિએ વધી રહ્યો છે. ત્રણ જ મહિનામાં એટલે કે ઑક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ વચ્ચે માત્ર ચાર જ પ્લેટફોર્મ પેરીમેચ, સ્ટેક, ૧એક્સબેટ અને બેટરી ફર્સ્ટ પર જ ૧.૬૦ અબજ વિઝિટર્સ નોંધાયા હતા. ઈન્ટરનેટ મીડિયાના માધ્યમથી આ પ્લેટફોર્મ્સ સુધી પહોંચવાનો સૌથી વધુ પ્રયાસ થયો. વધુમાં બોલિવૂડ કલાકારો અને ઈન્ફ્લુએન્સર્સ દ્વારા સટ્ટાબજારના આ પ્લેટપોર્મ્સનો પ્રચાર કરવામાં આવતા તેનો પ્રસાર વધુ ઝડપી બન્યો છે.

ઓનલાઈન જૂગાર અને સટ્ટા વિરુદ્ધ સરકારના એક નીતિ જૂથ દ્વારા જાહેર રિપોર્ટમાં કહેવાયું છે કે ઓનલાઈન જુગાર અને સટ્ટા વિરુદ્ધ સરકાર અને ગૂગલ તથા મેટા જેવી મોટી ટેક્નોલોજી કંપનીઓની સંયુક્ત લડાઈની જરૂર છે. ડિજિટલ ઈન્ડિયા ફાઉન્ડેશનના રિપોર્ટ મુજબ દેશમાં ગેરકાયદે જુગાર અને સટ્ટાબજારનું નેટવર્ક ગંભીરરૂપ લઈ ચૂક્યું છે. એક અંદાજ મુજબ આ ગેરકાયદે સેક્ટર દર વર્ષે ૧૦૦ અબજ ડોલરની લેવડ-દેવડ પાર કરી ચૂક્યું છે અને વર્ષે ૩૦ ટકાના દરે વધી રહ્યું છે. તેને રોકવા માટે માત્ર સરકારના પ્રયાસો પૂરતા નથી.

- Advertisement -

આ વર્ષે યોજાનારી આઈપીએલ કેટલાક સપ્તાહમાં શરૂ થવાની છે ત્યારે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આઈપીએલ સિઝન દરમિયાન ભારતમાં ગેરકાયદે બેટિંગ અને ગેમ્બલિંગ સર્વોચ્ચ સપાટીએ પહોંચી શકે છે.

ફાઉન્ડેશનના સ્થાપક અરવિંદ ગુપ્તાએ કહ્યું કે, ઓનલાઈન જુગાર અને સટ્ટાબજારના કારણે મની લોન્ડરિંગ અને ગેરકાયદે ચૂકવણીમાં અનિયંત્રિત વધારો થઈ રહ્યો છે. ગૂગલ અને મેટા એડવર્ટાઈઝિંગ અને સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન (એસઈઓ)થી નફો કરી રહ્યા છે, તેથી તેમના દ્વારા નિર્ણાયક પગલાં લેવામાં આવતા નથી. તેમનો એક તૃતિયાંશ ટ્રાફિક આ વેબસાઈટ્સના માધ્યમથી આવે છે.

- Advertisement -

એક રિપોર્ટ મુજબ ગેરકાયદે ઓપરેટર્સ દ્વારા ડિજિટલ જાહેરાતો અને માર્કેટિંગ ચેનલો, પેમેન્ટ ઈકોસીસ્ટમ અને સોફ્ટવેર પ્રોવાઈડર્સની મદદથી અત્યાધુનિક નેટવર્ક મારફત તેમના પ્લેટફોર્મ્સ ચલાવવામાં આવે છે. અરવિંદ ગુપ્તાએ કહ્યું કે, ગેરકાયદે ઓનલાઈન બેટિંગ અને સટ્ટાબજારની છેતરપિંડીનો સેંકડો ભારતીયો ભોગ બન્યા છે. પરંતુ આ પ્લેટફોર્મ્સના જંગી પ્રમાણમાં નકલી એકાઉન્ટ્સ હોવાથી તેમને પકડવા ખૂબ જ મુશ્કેલ છે.

એક રિપોર્ટ મુજબ બોલિવૂડ કલાકારો અને ઈન્ફ્લુએન્સર્સ તેની અસર જાણ્યા વિના જ તેનો પ્રચાર કરી રહ્યા છે. ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારના પ્લેટફોર્મના નિરીક્ષણ અને કાર્યવાહીથી બચવા માટે અનેક મિરર વેબસાઈટ બનાવી તેમનું કામ કરી રહ્યા છે. તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવે તો લોકોને આકર્ષવા માટે તેની મિરર વેબસાઈટ ઉપલબ્ધ હોય છે. આ પ્લેટપોર્મ્સ જંગી કમાણી કરે છે અને મની લોન્ડરિંગ તો કરે જ છે. સરોગેટ અથવા નકલી કંપનીઓ મારફત પેમેન્ટ લે છે.

- Advertisement -

રિપોર્ટ મુજબ અંદાજે ૬૦૦ પ્લેટફોર્મ વિદેશથી સંચાલિત છે અને તે સીધે-સીધા જીએસટીની ચોરી કરે છે. અરવિંદ ગુપ્તાએ કહ્યું કે, એવી આચારસંહિતા હોવી જોઈએ જેનાથી ઓનલાઈન જુગાર અને સટ્ટાબજારની જાહેરાતોને સંપૂર્ણપણે રોકી શકાય. જેમ કે, જીએસટી ન ચૂકવતા પ્લેટફોર્મ્સની સરળતાથી ઓળખ કરી શકાય છે. આ પ્લેટપોર્મ્સને બ્લોક કરવા એ એકમાત્ર સમાધાન ન હોઈ શકે.

ઓનલાઈન બેટિંગ – ગેમ્બલિંગ પ્રતિબંધિત છતાં ગેમિંગના ઓઠા હેઠળ પ્રચાર

નવી દિલ્હી : ઓનલાઈન જુગાર અને સટ્ટાબજારમાં તિવ્ર ઉછાળો આવતા અને તેને પ્રોત્સાહન આપતી જાહેરાતોમાં વધારો થતાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ વ્યાપક એડવાઈઝરી બહાર પાડી હતી, જેમાં જણાવાયું હતું કે, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ૨૦૧૯ મુજબ ઓનલાઈન બેટિંગ અને ગેમ્બલિંગની જાહેરાત, પ્રચાર પ્રતિબંધિત છે. પબ્લિક ગેમ્બલિંગ એક્ટ, ૧૮૬૭ હેઠળ બેટિંગ અને ગેમ્બલિંગ પ્રતિબંધિત છે અને તેને ગેરકાયદે માનવામાં આવે છે. આમ છતાં ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ્સ અને એપ્સ પ્રત્યક્ષ તેમજ ગેમિંગના નામે બેટિંગ અને ગેમ્બલિંગની જાહેરાતો કરી રહ્યા છે.

Share This Article