Jewelery Market: સોના-ક્રૂડમાં ગાબડું, રૂપિયો તૂટી 87.15 પર પહોંચ્યો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Jewelery Market: મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે સોનાના ભાવ ઘટયા હતા ચાંદી અથડાતી રહી હતી. વિશ્વબજારમાં સોનામાં પીછેહટના સમાચાર હતા. ઘરઆંગણે, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ ઘટી ૯૯૫ના રૂ.૮૮૫૦૦ તથા ૯૯૯ના રૂ.૮૮૮૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૯૬૫૦૦ રહ્યા હતા.

મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૮૫૭૧૪ વાળા રૂ.૮૫૬૦૦ તથા ૯૯૯ના રૂ.૮૬૦૫૯ વાળા રૂ.૮૫૯૦૦ બોલાતા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૬૭૨૪ વાળા રૂ.૯૬૮૦૦ બોલાતા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

- Advertisement -

દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૯૧૮થી ૨૯૧૯વાળા ઘટી નીચામાં ૨૮૯૬ થઈ છેલ્લે સપ્તાહના અંતે ૨૯૦૯થી ૨૯૧૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૨.૪૦થી ૩૨.૪૧ વાળા જોકે વધી ૩૨.૭૦ થઈ છેલ્લે ભાવ ૩૨.૫૩થી ૩૨.૫૪ ડોલર રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં તાજેતરમાં ખાનગી ક્ષેત્રના જોબગ્રોથના આંકડા નબળા આવ્યા હતા તથા બેરોજગારીના દાવાઓ પણ વધ્યા હતા તથા ત્યારબાદ જાહેર થયેલા નોન- ફાર્મ પેરોલના ડેટા અપેક્ષાથી ઓછા આવ્યાના સમાચાર મળ્યા હતા. ત્યાં આ આંકડા ૧ લાખ ૫૧ હજાર આવ્યા હતા જેની સામે અપેક્ષા ૧ લાખ ૬૦ હજારની હતી.

દરમિયાન, ડિસેમ્બરના આવા આંકડા ૧૬ હજાર અપવર્ડ રિવાઈઝ કરાયા હતા જ્યારે જાન્યુઆરીના આંકડા ૧૮ હજાર ડાઉનવર્ડ રિવાઈઝ કરવામાં આવ્યાના સમાચાર હતા. દરમિયાન, ત્યાં બેરોજગારીનો દર સહેજ વધી ૪.૧૦ ટકા આવ્યાના નિર્દેશો હતા. આવા માહોલમાં ત્યાં હવે પછી વ્યાજના દર વિશે ફેડરલ રિઝર્વ કેવો વ્યુહ અપનાવે છે તેના પર વિશ્વબજારની નજર હતી.

- Advertisement -

રશિયાએ યુક્રેન સાથે અમુક શરતોને આધીન યુધ્ધ વિરામની તૈયારી બતાવી છે. આવા યુધ્ધ વિરામ માટે અમેરિકા પ્રયત્નો કરી રહ્યું છે. જોકે આ દરમિયાન રશિયાની ઓઈલ રિફાઈનરી પર યુક્રેનના ડ્રોન દ્વારા હુમલો કરાયાના સમાચાર પણ આવ્યા હતા. વિશ્વબજારમાં કોપરના ભાવ ઘટી છેલ્લે ૨.૦૩ ટકા માઈનસમાં રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ વધી ૯૭૭ થઈ છેલ્લે ૯૬૯થી ૯૭૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ વધી ૯૫૯થી ૯૬૦ થઈ છેલ્લે ૯૫૦થી ૯૫૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતો અટકી ૧૦૩.૫૮ વાળો ઉંચામાં ૧૦૪.૦૪ થઈ ૧૦૩.૯૧ રહ્યાના સમાચાર હતા.

વિશ્વબજાર પાછળ મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૬.૮૭ વાળા ઉછળી રૂ.૮૭ પાર કરી રૂ.૮૭.૧૪થી ૮૭.૧૫ આસપાસ રહ્યા હતા. દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલના ભાવ સતત દબાણ હેઠળ રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૦.૪૯ વાળા નીચામાં ૬૯.૩૦ થઈ છેલ્લે ૭૦.૩૬ ડોલર રહ્યા હતા. નવી માગ ધીમી હતી. ઓપેકના દેશો એપ્રિલથી ઉત્પાદન વધારશે એવા સંકેતો મળી રહ્યા હતા. સાઉદી અરેબીયાએ એશિયાના દેશો માટે ક્રૂડતેલના વેચાણ ભાવમાં ઘટાડો કર્યાના વાવડ પણ મળ્યા હતા.

- Advertisement -
Share This Article