Amreli Letter Scandal: અમરેલી લેટરકાંડ ચર્ચામાં રહ્યો છે. આ મુદ્દો છેક ગુજરાત વિધાનસભા સુધી પહોંચ્યો હતો. આ મુદ્દો ગૃહમાં ચર્ચાયો હોત પણ થયું એવુ કે, પ્રશ્ન પૂછનારાં વિપક્ષના ધારાસભ્યો જ ગેરહાજર રહ્યાં હતા. એવી ચર્ચા છે કે, લેટરકાંડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફિક્સિંગ થયુ હતું જેથી આ મુદ્દો ચર્ચાયો જ નહીં. આ કારણોસર પાટીદાર દિકરીના ન્યાયને લઈને ભાજપ-કોંગ્રેસની પોલિટિક્સ ગેમ ખુલ્લી પડી હતી. આખરે તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ જેવો ઘાટ સર્જાયો હતો.
કોંગ્રેસના નવ ધારાસભ્યોએ પ્રશ્ન પૂછ્યા પણ ગૃહમાં હાજર રહ્યા નહીં
અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવેલાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની દશાની પોલ ખોલતાં કહ્યું કે, ‘કોંગ્રેસના કેટલાંય નેતા ભાજપ સાથે ભળેલાં છે.’ રાહુલ ગાંધીની આ વાત સાચી ઠરી હતી કેમ કે, વિવાદાસ્પદ અમરેલી લેટરકાંડ મુદ્દે વિધાનસભા ગૃહમાં સરકારને ઘેરવા માટે તક હતી. લેટરકાંડમાં ખરેખર શું થયું ? તેનો જવાબ જાણવા માટે કોંગ્રેસના નવેક ધારાસભ્યોએ સવાલ પૂછ્યા હતાં. સરકારે એક રટણ રટ્યું કે, તપાસ ચાલુ છે. જો કે, એ વાતનો કોઇ ઉલ્લેખ ન હતોકે, નિલિપ્તરાયના રિપોર્ટમાં શું છે? આવા અનેક સવાલોનો જવાબ જાણવા માટે વિપક્ષ પાસે તક હતી.
એવો ગણગણાટ છે કે, રાહુલ ગાંધીના આગમનનુ બહાનુ ધરીને બધાય ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહ્યા હતાં. કોંગ્રેસના ધારાસભ્યો કહી રહ્યાં હતાંકે, જો વિપક્ષે સ્ટ્રેટેજી ઘડીને ધારાસભ્યોને હાજર રખાયા હોત તો, લેટરકાંડની ઘણી વિગતો બહાર આવી શકી હોત. પાટીદાર દિકરીના નામે વિરોધ પ્રદર્શન કરી કોંગ્રેસ રાજકીય લાભ મળવી શકી હોત. પણ એવુ થયુ નહીં. ગૃહ મંત્રીના ઇશારે કોંગ્રેસના એક ધારાસભ્ય તો હાજર હોવા છતાંય ગૃહમાં જ આવ્યા નહીં.
આમ, લેટરકાંડ મામલે ભાજપ-કોંગ્રેસે ગોઠવણ પાડી હતી જેથી વિધાનસભામાં લેટરકાંડની ચર્ચા થઈ નહીં. પ્રજાના પ્રશ્નો માટે ગૃહમાં આક્રમકતાથી લડીશું એવી વિપક્ષની વાતનો તો ફિયાસ્કો થયો હતો.