Fire in Kalol: હજુ રાજ્યમાં ઉનાળાની શરૂઆત જ થઇ છે. ત્યાં તો આગ લાગવાની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. એક પછી એક આગની ઘટનાઓ સામે આવી રહી છે. આજે વહેલી સવારે કલોલમાં બે અલગ અલગ સ્થળો આગ લાગવાની ઘટના બની હતી. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વિનાયક ટ્યુશન ક્લાસમાં આગની ઘટના સામે આવી છે. તો બીજી તરફ કલોલ હાઇવે પાસે આવેલા MD મસાલાના ગોડાઉનમાં આગ લાગતાં માલ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
કલોલ હાઈવે પર MD મસાલાના ગોડાઉનમાં જ્યાં અનેક પ્રકારના અનાજ કરિયાણા હતા, જેમાં આગ લાગી હતી. આ આગ સવારે 7 વાગ્યાની આસપાસ લાગી હતી. જેમાં તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. આ આગને નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ સામાન બરબાદ થઈ ગયો હતો. આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઉપરાંત, અન્ય એક ઘટનામાં આજે સવારે કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલા વિનાયક ટ્યુશન ક્લાસીસમાં આગ ભભૂકી ઉઠી હતી. જે આગને નિયંત્રણમાં કરી લેવામાં આવી હતી.
કરોડોનો માલસામાન બળીને ખાખ
ઘી અને તેલના ડબ્બા હોવાથી આગ વધુ વિકરાળ બની હતી. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ ટળી હતી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.