Bihar Mass Suicide: બિહારના આરાથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં અરવિંદ કુમાર નામના એક પિતાએ પોતાના 4 બાળકોના દૂધમાં ઝેર ભેળવીને બાદમાં પોતે પણ ઝેર પી આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઝેરની અસરથી ચારમાંથી ત્રણ બાળકોનું મોત નિપજ્યું છે અને પિતા તેમજ અન્ય એક બાળકની સારવાર ચાલી રહી છે.
શું હતી સમગ્ર ઘટના?
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં પુત્ર આદર્શે જણાવ્યું કે, મારી માતાનું લાંબી બીમારીના કારણે મોત નિપજ્યું હતું. ત્યારથી મારા પિતા અંદરથી તૂટી ગયા હતા. તે બેનવલિયા બજારમાં એક નાનકડી ઇલેક્ટ્રોનિકની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મંગળવારે (11 માર્ચ) તેમણે અમને બધાને અમારી મનપસંદ પુરી ખવડાવી અને બાદમાં બધાને એક-એક ગ્લાસ દૂધ આપ્યું અને પોતે પણ પી લીધું. થોડીવારમાં બધાને ઉલટી થવા લાગી અને પેટમાં જોરથી દુખાવો થવા લાગ્યો. બધાં ઘરે તડફડતા હતાં પરંતુ, ત્યારે કોઈ બચાવવા આવી શકે તેવું નહતું, થોડીવાર બાદ દરવાજો ખુલ્યો. બાદમાં કોઈ અમને હોસ્પિટલ લઈ આવ્યું.’ નોંધનીય છે કે, સારવાર દરમિયાન બે પુત્રી અને એક પુત્રનું મોત થઈ ચુક્યું છે.
મળતી માહિતી મુજબ, અરવિંદની પત્નીના મોત બાદ તે એકલો દુકાન ચલાવતો હતો અને બાળકોને પણ ભણાવતો હતો. પરંતુ, પત્નીના ગયા બાદ બાળકોની સંભાળ રાખવામાં ઘણી મુશ્કેલી થતી હતી. જેથી, તેણે આવું પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સમગ્ર મુદ્દે ડૉક્ટરે જણાવ્યું કે, હજુ સુધી પરિવારે કયું ઝેર પીધું હતું તેની જાણ નથી થઈ શકી. જ્યારે દર્દી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમાની આંખ અને પાપણ પર સોજો હતો. બધાંને શરીરમાં દુખાવો, ઉલટી અને પેટમાં દુખાવો થતો હતો. મોંઢા અને નાકમાંથી ફીણ નીકળી રહ્યું હતું. હાલ બે પિતા-પુત્રની સારવાર ચાલી રહી છે અને અન્ય 3 લોકોનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.