SEC Lawsuit against Adani Group: અદાણી વિરુદ્ધ અમેરિકામાં ચાલી રહેલા યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)ના કેસમાં ફરી એકવાર સરકારના જૂઠનો પર્દાફાશ થયો છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે ‘હિંદુ’ અખબાર સમક્ષ કબૂલાત કરી છે કે, યુએસ અદાણી જૂથ સામેના કેસમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને અમારી મદદ માંગી હતી.
આ માટે અમેરિકન ઓથોરિટીએ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીને નોટિસ ફટકારવા માટે અમદાવાદ સેશન્સ કોર્ટની મદદ માંગી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ પહેલા અમેરિકન ઓથોરિટીએ આવી કોઈ વિનંતી કરી હોવાની વાતનો કેન્દ્ર સરકારે અસ્વીકાર કર્યો હતો.
આ દરમિયાન કેન્દ્રીય કાયદા મંત્રાલયે ગયા મહિને જ હેગ સંધિ હેઠળ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીને નોટિસ ફટકારી હતી. આ કાર્યવાહી હેઠળ કાયદા મંત્રાલય હેઠળ કાર્યરત ડિપાર્ટમેન્ટ ઓફ લિગલ અફેર્સ (DLA) દ્વારા યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ વતી અમદાવાદ સેશન્સ કોર્ટને સમન્સની નોટિસ પણ મોકલી હતી. આ નોટિસમાં ગૌતમ અદાણીને અમદાવાદના સરનામે નોટિસ મોકલીને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા કહેવાયું હતું.
‘હિંદુ’ને મળેલી એક ઈન્ટરનલ નોટમાં પણ ઉલ્લેખ છે કે, ‘હેગ કન્વેન્શન ફોર સર્વિસ ઓફ જ્યુડિશિયલ એન્ડ એક્સ્ટ્રા જ્યુડિશિયલ ડોક્યુમેન્ટ્સ ઈન સિવિલ એન્ડ કોમર્શિલય મેટર્સ 1965 અંતર્ગત અમેરિકન ઓથોરિટી દ્વારા એક સમન્સ પાઠવવાની વિનંતી કરવામાં આવી છે, જે વિચારણા હેઠળ છે. આ તમામ દસ્તાવેજોની ચકાસણી કરાઈ છે અને તે હેગ કન્વેન્શનની જોગવાઈઓ પ્રમાણે જ છે. જો આ મંજૂરી મળે, તો અમે આ દસ્તાવેજો અમદાવાદ સેશન્સ કોર્ટ, ગુજરાતને મોકલી શકીએ, જેથી પ્રતિવાદીને નોટિસ મોકલી શકાય.’
આ દરમિયાન અમદાવાદ સેશન્સ કોર્ટને 25 ફેબ્રુઆરીને એક પત્ર પાઠવાયો હતો. હેગ કન્વેન્શનમાં જોડાયેલા દેશોની એજન્સીઓ એકબીજાના દેશમાં કાયદેસરના દસ્તાવેજો મેળવવા માટે સીધી વિનંતી કરી શકે છે. ખાસ કરીને વિદેશોમાં દાખલ કરાયેલા કેસ માટે તેનો ઉપયોગ થાય છે.
વાત એમ છે કે, ન્યૂયોર્ક ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના ફેડરલ પ્રોસિક્યુટર્સની મદદથી યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને ગોતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે કેસ દાખલ કર્યો છે. તેઓ પર આરોપ છે કે, અદાણી ગ્રીન લિમિટેડના એક્ઝિક્યુટિવ તરીકે તેમણે કથિત રીતે અમેરિકન રોકાણકારો સાથે કેટલીક વિગતો છુપાવી છે. તેમણે અદાણી ગ્રીન અને એઝ્યોર પાવરની ઊર્જા બજારભાવથી ઊંચા ભાવે ખરીદવા માટે ભારતીય અધિકારીઓને કરોડો ડૉલરની લાંચ આપી હતી. બાદમાં આ અધિકારીઓએ રાજ્ય સરકારને ઊંચા ભાવે ઊર્જા ખરીદવા માટે દબાણ કર્યું હતું. આ અંગેનો કેસ અમેરિકાની કોર્ટમાં ચાલી રહ્યો છે.
આ પહેલા ‘હિંદુ’ અખબાર દ્વારા રાઈટ ટુ ઈન્ફોર્મેશન હેઠળ એક અરજી કરીને આ અંગે વિગતો માંગવામાં આવી હતી. જો કે, ડિપાર્ટમેન્ટ ઓફ લિગલ અફેર્સે અમેરિકન ઓથોરિટી દ્વારા ગૌતમ અદાણીને સમન્સ પાઠવવાની અરજી મળી છે કે નહીં તે વિશે જણાવવાનો ઈનકાર કરી દીધો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ લિગલ અફેર્સે અમદાવાદની કોર્ટને અમેરિકન ઓથોરિટીના સમન્સની વિનંતી મોકલી જ દીધી હતી. તેના એક સપ્તાહ પછી ‘હિંદુ’એ આ અંગે જવાબ માંગ્યો હતો. આમ છતાં, તેમણે વિગતો આપી ન હતી.
આ કેસ અદાણી જૂથ માટે ઘણી અનિશ્ચિતતાઓ લઈને આવ્યો હતો, પરંતુ અમેરિકામાં નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશન પાસે કંપની કંઈક ‘આશા’ રાખીને બેઠી છે. તેનું કારણ એ છે કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ 1977 કાયદો જ હાલ પૂરતો અટકાવી દીધો છે, જેના કારણે અદાણી જૂથ સામેની કાયદેસરની કાર્યવાહી ઢીલી પડી ગઈ છે. હાલમાં જ અહેવાલો હતા કે, હવે અદાણી જૂથ ફરી એકવાર અમેરિકામાં વ્યવસાયિક તકો શોધવાની ફિરાકમાં છે.
જો કે, એ સ્પષ્ટ નથી કે ભારત અને અમેરિકા વચ્ચે અદાણી જૂથના આ કેસને લઈને દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી કે નહીં. ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે હતા, ત્યારે પણ તેમને આ અંગે સવાલ કરાયો હતો. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, બે દેશના વડા મળે છે ત્યારે આવી ‘પર્સનલ મેટર’ની ચર્ચા નથી કરતા.