Ahmedabad Crime: સાયબર એક્સપર્ટ જ બન્યો ચોર! આરોપીના ખાતામાંથી 41 લાખની ક્રિપ્ટોકરન્સી ઉચકાઈ, જાણો કેવી રીતે ભાંડો ફૂટ્યો!

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Ahmedabad Crime: અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં ડીસીપી ઝોન-6ના સ્ક્વૉડ દ્વારા ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડો પાડીને 33 મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કેસની તપાસ માટે ખાનગી સાયબર એક્સપર્ટની મદદ લીધી હતી.

પરંતુ, તે સાયબર એક્સપર્ટે મોબાઈલની ચકાસણીના નામે એક મોબાઈલમાં આવેલા બિનાન્સ ટ્રેડીંગ એકાઉન્ટમાં રહેલા 41 લાખની કિંમતના ક્રિપ્ટોને પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. કોલ સેન્ટરના આરોપીએ તેના ક્રિપ્ટોની ચોરી અંગે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરતા સમગ્ર ભાંડો ફુડ્યો હતો. આ અંગે મણિનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

શું હતી સમગ્ર ઘટના?

30 ડિસેમ્બર 2024ના દિવસે ડીસીપી ઝોન-6ની એલસીબીના પીએસઆઈ મનીષ બ્રહ્યભટ્ટ અને તેમના સ્ટાફે દાણીલીમડા બોમ્બે હોટલ પાસે આવેલી ઝૈનબ રેસીડેન્સીમાં દરોડો પાડીને ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા અયાઝ શેખ નામના યુવકની ધરપકડ કરી હતી.

- Advertisement -

આ કાર્યવાહી દરમિયાન પોલીસે 33 મોબાઇલ ફોન, રોકડ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં ટેક્નિકલ એનાલિસિસ કરવા માટે પોલીસે ખાનગી સાયબર અક્સપર્ટ દેવેન્દ્ર પટેલની મદદ લીધી હતી. તેણે જપ્ત કરેલા તમામ 33 મોબાઇલ ફોન અને લેપટોપની ચકાસણી કરીને રિપોર્ટ આપ્યો હતો. ત્યારબાદ વઘુ તપાસ માટે તમામ મુદ્દામાલ ગાંધીનગર ફોરેન્સીક લેબમાં મોકલી અપાયો હતો.

કેવી રીતે ફૂટ્યો ભાંડો?

- Advertisement -

બીજી બાજુ કોલ સેન્ટર કેસના આરોપી અયાઝ શેખે પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી કે, પોલીસે જપ્ત કરેલા 33 મોબાઇલ ફોન પૈકી એક મોબાઇલમાં તેનું બિનાન્સનું ટ્રેડીંગ એકાઉન્ટ હતું. જેમાં 48,300 જેટલા યુએસડીની કિંમતના ક્રિપ્ટો હતા. જેની ભારતીય કરન્સી મુજબની કિંમત આશરે 41 લાખ જેટલી હતી. તેને ઇમેઇલ આવ્યો હતો કે તેનું બિનાન્સનું એકાઉન્ટ બ્લોક છે અને ક્રિપ્ટો અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે.

આ બાબતને ગંભીરતાથી લઇને ડીસીપી રવિ મોહન સૈનીએ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ક્રિપ્ટો વોલેટની વિગતો મળતા પોલીસે ખાનગી સાયબર એક્સપર્ટ દેવેન્દ્રને બોલાવીને પુછપરછ કરી. ત્યારે જાણવા મળ્યું હતું કે તેણે શેખ અયાઝના એક મોબાઇલ ફોનમાં બિનાન્સ ટ્રેડિંગ એકાઉન્ટમાં રહેલી તમામ ક્રિપ્ટો કરન્સી તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી.

પોલીસે સમગ્ર કેસની તપાસ યોગ્ય રીતે થાય તે માટે દેવેન્દ્રનો મોબાઇલ ફોન તપાસ માટે એફએસએલમાં મોકલ્યો હતો. જેમાં તેણે શેખ અયાઝનું બિનાન્સ એકાઉન્ટ બ્લોક કરાવ્યાનુ પણ ખુલ્યું હતું. આમ સાયબર એક્સપર્ટનો ભાંડો ફૂટતા આ અંગે મણિનગર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share This Article