New export promotion schemes: સરકાર નવી નિકાસ પ્રમોશન યોજનાઓની રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપી રહી છે. આમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિશોધાત્મક ટેરિફ અને સંભવિત ટેરિફ દ્વારા સર્જાયેલી અનિશ્ચિતતાનો સામનો કરવા માટે પૂરતી સુગમતા પૂરી પાડવાનો સમાવેશ થશે.
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ૨ એપ્રિલથી પ્રતિક્રિયાત્મક ટેરિફ લાદવાના નિર્ણય ઉપરાંત, અમેરિકાએ ૧૨ માર્ચથી સ્ટીલ, એલ્યુમિનિયમ જેવી અન્ય વસ્તુઓ પર પણ ટેરિફ લાદવાની યોજના બનાવી છે.
વાણિજ્ય, નાણાં અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયોના અધિકારીઓની આંતર-મંત્રી સમિતિ નિકાસકારો માટે નવી સહાય યોજના પર કામ કરી રહી છે. આ યોજના બજેટમાં જાહેર કરાયેલા ૨,૨૫૦ કરોડ રૂપિયાના નિકાસ પ્રમોશન મિશન હેઠળ તૈયાર કરવામાં આવી રહી છે.
આ નવી યોજના ખાસ કરીને નાના નિકાસકારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે જેથી તેઓ કોલેટરલ વિના લોન મેળવી શકે અને વિકસિત દેશો દ્વારા લાદવામાં આવેલા નોન-ટેરિફ પગલાંના પાલનની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે. તેનો ઉદ્દેશ્ય ક્રોસ-બોર્ડર ફેક્ટરિંગ સપોર્ટ દ્વારા ભંડોળ એકત્ર કરવાના વૈકલ્પિક માધ્યમોને પ્રોત્સાહન આપવાનો અને જોખમ-સંભવિત બજારોને સહાય પૂરી પાડવાનો પણ છે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે, હાલની અસર એ છે કે ખરીદી થોડી વધુ સાવધાની સાથે કરવામાં આવી રહી છે. ખરીદદારો પીછેહઠ કરી રહ્યા હોવાથી ઓર્ડરનું પ્રમાણ ઘટયું છે.