Vadodara Accident: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ નજીક મિત્ર સાથે કારમાં જતા નબીરાએ પૂરપાટ ગતિએ અન્ય વાહનો પર જતા લોકોને ફંગોળી નાખ્યા હતા. જેમાં હેમાલી પટેલ નામના મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર કાર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ કેસમાં કાર ચાલક અને તેની સાથે રહેલા યુવકનો પોલીસે તત્કાલિક અસરથી રેપિડ ટેસ્ટ કર્યો હતો. જેમાં કાર ચાલક રક્ષિત ચોરસિયા અને પ્રાંશું ચૌહાણે ડ્રગ્સનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું છે. હવે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
યુવકોએ હોળીના દિવસે મોજ કરવા ડ્રગ્સ લીધો
વડોદરા પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત કરનાર બે શખ્સોએ રાત્રે અકસ્માત પહેલા હોળીના દિવસે મોજ કરવા ડ્રગ્સ લીધો હોવાનું રેપિડ ટેસ્ટમાં બહાર આવ્યું છે. મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો છે તેનો રિપોર્ટ પણ જલદી મેળવવામાં આવશે.
મૃતક અને ઘાયલોમાં કોણ કોણ સામેલ?
મળતી માહિતી મુજબ મૃતકમાં હેમાલીબેનનું નામ સામે આવ્યું છે જે ધૂળેટી માટે ખરીદી કરવા નીકળ્યા હતા. તેમના સિવાય જૈની, નિશાબેન અને એક અજાણી બાળકી તથા 40 વર્ષીય વ્યક્તિ પણ અકસ્માતનો ભોગ બની હતી. જેમની હાલત ગંભીર હોવાથી તે સારવાર હેઠળ છે. મૃતકાંક વધવાની પણ શક્યતા છે.