RTE Rules: RTEમાં આવક મર્યાદા 6 લાખ સુધી વધારતાં હજારો રિજેક્ટ થયેલા ફોર્મનો પ્રશ્ન ઉકેલાશે?

Arati Parmar
By Arati Parmar 2 Min Read

RTE Rules: રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2025-26 માટેની ધોરણ 1ની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા હાલ ચાલી રહી છે. ત્યારે ફોર્મ ભરવાની નિયત મર્યાદા આમ તો પુરી થઈ ગઈ છે પરંતુ, ચાર દિવસ વધારવામા આવ્યા છે. ત્યારે બીજી બાજુ સરકાર દ્વારા આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવાની વિચારણા કરવામાં આવી છે, ત્યારે જો આવક મર્યાદા વધારાશે તો હજારો રદ થયેલા ફોર્મ ફરી ભરાવવા પડશે અને નવેસરથી જાહેરાત આપવા સહિતની પ્રક્રિયા કરવી પડશે.

સરકાર બદલશે નિર્ણય?

- Advertisement -

રાજ્યમાં આવેલી ખાનગી સ્કૂલોમાં ધો. 1ની કુલ બેઠકોની 25 ટકા બેઠકો પર ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આરટીઈમાં વિના મુલ્યે પ્રવેશ આપવામા આવે છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આરટીઈની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામા આવે છે. જેમાં 10 હજારથી વધુ સ્કૂલોને આવરી લેવામા આવે છે. આ વર્ષે બેઠકો વધીને 93 હજાર જેટલી થવા પામી છે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં નિયત કાર્યક્રમ મુજબ ગઈકાલે છેલ્લો દિવસ હતો.પરંતુ ટેકનિકલ ખામીને લીધે ઘણા ફોર્મ ન ભરાતા સરકારે મુદત વધારીને 16 મી સુધી કરી છે. બીજી બાજુ સરકાર દ્વારા આવક મર્યાદા વધારાવની તૈયારી શરૂ કરાઈ છે. આ મુદ્દે મુખ્યમંત્રી સાથે બેઠક પણ થઈ ગઈ છે અને થોડા દિવસમાં સરકાર દ્વારા સત્તાવાર રીતે આવક મર્યાદા વધારવાની જાહેરાત કરાય તેવી શક્યતા છે.

અનેક વાલીઓને થશે નુકસાન

હાલ શહેરી વિસ્તાર માટે વાલીની આવક 1.50 લાખ અને ગ્રામ્ય માટે વાલીની આવક 1.20 લાખ સુધીની હોય તો જ બાળકના આરટીઈના ફોર્મ ભરી શકાય છે. હવે આવક મર્યાદા છ લાખ સુધી થશે તો સરકારે ફરી નવેસરથી પ્રક્રિયા કરવી પડશે. નવેસરથી જાહેરાત આપવી પડશે અને ફરીથી ફોર્મ ભરાવવા પડશે. કારણકે અગાઉ હજારો ફોર્મ વધુ આવક હોવાથી રિજેક્ટ કરી દેવામા આવ્યા છે. હાલ 93 હજાર બેઠકો સામે દોઢ લાખ જેટલા ફોર્મ ભરાઈ ચુક્યા છે. પરંતુ જો હવે આવક મર્યાદા વધશે તો ઘણા વાલીને ફાયદો થશે પરંતુ સામે બેઠકો ઓછી હોવાથી ઘણા વાલીને નુકસાન પણ થશે અને હજારો બાળકોને પ્રવેશ નહીં મળે.

TAGGED:
Share This Article