Donald Trump: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આવતા મહિને ભારતીય વસ્તુઓ પર પારસ્પારિક કર (રેસિપ્રોકલ ટેરિફ) લગાવવાની વાત કહી છે. આ જાહેરાતને ધ્યાનમાં રાખીને, એવું માનવામાં આવે છે કે ભારત સામે ટ્રમ્પનો ટેરિફ અમેરિકન માટે ગળાની ફાંસ બની શકે છે. કારણ કે, અમેરિકામાં દવાઓની કિંમત વધી શકે છે. લાખો અમેરિકને પોતાની દવા માટે વધારે રકમ ચૂકવવી પડી શકે છે.
બે એપ્રિલથી ભારત પર જવાબી ટેરિફ લગાવશે ટ્રમ્પ
નોંધનીય છે કે, ગત અઠવાડિયે વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે અધિકારીઓ સાથે ચર્ચા માટે અમેરિકાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ વ્યાપાર કરાર પર સહમતિ સાધવાનો હતો. તેમની આ યાત્રા ટ્રમ્પની આ જાહેરાત બાદ થઈ જ્યારે તેમણે કહ્યું હતું કે, અમેરિકન વસ્તુઓ પર ભારતના ટેરિફના જવાબમાં બે એપ્રિલથી વળતો ટેરિફ લાદવામાં આવશે. જોકે, દવાઓ જેવી ભારતની મહત્ત્વપૂર્ણ નિકાસ ઉદ્યોગ પર કરની વૃદ્ધિ ગોયલ રોકવા ઈચ્છતા હતાં. અમેરિકામાં ઉપયોગમાં લેવાતી લગભગ અડધી જેનેરિક દવાઓ એકલા ભારતમાંથી આવે છે. આ દવાઓ બ્રાન્ડ નામવાળી દવાઓની સરખામણીએ ખૂબ સસ્તી હોય છે. અમેરિકામાં ડૉક્ટર દર્દીઓને જે 10 દવાઓ લેવાની સલાહ આપે છે, તેમાંથી 9 ભારત જેવા દેશોમાંથી આયાત કરવામાં આવે છે. તેનાથી વોશિંગટનને સ્વાસ્થ્ય સેવા ખર્ચમાં કરોડોની બચત થાય છે.
જેનેરિક દવાઓથી 219 બિલિયન ડોલરની બચત
કન્સલ્ટિંગ ફર્મ ‘IQVIA’ ના અધ્યયન અનુસાર, ફક્ત 2022માં જ ભારતીય જેનેરિક દવાઓથી 219 બિલિયન ડોલરની બચત થઈ. નિષ્ણાતોનું કહેવું છે કે, વ્યાપાર કરાર વિના ટ્રમ્પના ટેરિફ કેટલીક ભારતીય જેનેરિક દવાઓને અવ્યવહારુ બનાવી શકે છે. જેનાથી કંપનીઓ બજારમાંથી બહાર નીકળી શકે છે અને હાલની દવાની અછત વધી શકે છે.
ભારતીય દવા કંપનીઓ મોટા પાયે જેનેરિક દવાઓ વેચે છે. તે પહેલાથી જ ઓછા માર્જિન પર કામ કરે છે અને ભારે કર ચૂકવી શકશે નહીં. તેઓ સ્પર્ધાત્મક કંપનીઓ કરતાં ઘણી ઓછી કિંમતે વેચે છે. જેથી, તે વિશ્વના સૌથી મોટા ફાર્મા બજારમાં હૃદય, માનસિક સ્વાસ્થ્ય, ત્વચારોગવિજ્ઞાન અને મહિલા આરોગ્ય દવાઓમાં સતત પ્રભુત્વ મેળવી રહ્યા છે.