Artificial human skin: તબીબી વિજ્ઞાન ક્ષેત્રે માનવ આરોગ્ય માટે બહુ મહત્વનું સંશોઘન થયું છે. આ સંશોઘન છે વિશિષ્ટ પ્રકારની હાઇડ્રોજેલ. આ નવી અને વિશિષ્ટ પ્રકારની હાઇડ્રોજેલને કૃત્રિમ ચામડી પણ કહી શકાય.
માનવ ચામડી જેમ જ સુંવાળી તથા સખત છેઃ ફીનલેન્ડ અને જર્મનીના વિજ્ઞાનીઓેને સફળતા મળી
આ નવતર પ્રકારની હાઇડ્રોજેલ આલ્ટો યુનિવર્સિટી(ઓટાનીએમી, ફીનલેન્ડ)ના અને યુનિવર્સિટી ઓફ બાયરોઇટ(જર્મની)ના તબીબી વિજ્ઞાનીઓએ વિકસાવી છે. આ સંશોઘનપત્ર નેચર મટિરિયલ્સ નામના આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત મેગેઝીનમાં પ્રસિદ્ધ થયું છે. આલ્ટો યુનિવર્સિટીના તબીબી વિજ્ઞાની હાન્ગ ઝ્હાન્ગ અને તેમની ટીમે એવી માહિતી આપી છે કે અમે જે નવા પ્રકારની હાઇડ્રોજેલ વિકસાવી છે તેનું સ્વરૂપ લગભગ માનવ શરીરની ચામડી જેવું છે. માનવ શરીરની ચામડી તો સંપૂર્ણપણે અદભુત કુદરતી સર્જન છે. ચામડીના ઉપરના હિસ્સામાં કોઇ ઇજા થાય ,ઘા વાગે કે નાનો ચીરો પડે તોં તેમાં આપમેળે રૂઝ આવી જાય.મટી જાય તેવી કુદરતી પ્રક્રિયા થતી હોય છે. વળી,માનવ શરીરની ચામડી બહુ પાતળી, સુંવાળી, સુંદર છતાં સતત ચોંટેલી રહે છે.
અમે માનવ શરીરની કુદરતી બક્ષીસ જેવી ચામડીના આવા અદભુત ગુણોમાંથી જ પ્રેરણા લઇને અમારી ન્યુ હાઇડ્રોજેલ વિકસાવી છે. એટલે કે અમે એવો પદાર્થ વિકસાવ્યો છે નથી સખત કે નથી લવચીક. આ પદાર્થ માનવ શરીની ચામડીની જેવો સુંવાળો છતાં સખત છે. અમે ન્યુ હાઇડ્રોજેલ વિકસાવવા માટે અમે ખાસ પ્રકારની ક્લે નેનોશીટ્સ ( મોન્ટમોરાઇલોનાઇટ નામના ખનિજમાંથી બનાવવામાં આવતી પ્લેટ જેવો પદાર્થ, જે પાતળો હોય છે) માં હાઇડ્રોજેલનો ઉમેરો કર્યો. ઉપરાંત, અમે પોલીમર્સનો પણ ઉપયોગ કર્યો છે. સાથોસાથ મોનોમર્સના પાઉડરનો પણ પ્રયોગ કર્યો.
આ બઘા પદાર્થને અમે વીજળીના લેમ્પમાંથી ફેંકાતા અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન(કિરણોત્સર્ગ)માં રાખ્યા.આ વિશિષ્ટ પ્રક્રિયાથી નાના નાના કણને એક સાથે બાંઘી રાખે તેવી જેલ બની. આ નવતર પ્રકારની જેલમાં સખત અને લવચીક બંને પ્રકારના ગુણઘર્મ છે. ત્યારબાદ અમે આ નવા પ્રકારની જેલને કાતરથી કાપી. ચાર કલાક બાદ અમને એવો સંકેત મળ્યો કે અમારી આ વિશિષ્ટ હાઇડ્રોજેલમાં પણ માનવ શરીરની કુદરતી ચામડી જેવા જ ગુણ છે. એટલે કે તે સુંવાળી અને સખત બંને છે.સાથોસાથ તેના ઉપયોગથી આપમેળે રૂઝ પણ આવી જશે. ભવિષ્યમાં આ ન્યુ હાઇડ્રોજેલનો ઉપયોગ બાયોમેડિકલ ટેકનોલોજીમાં, સર્જિકલ રોબોટ્સ, કૃત્રિમ ચામડી તરીકે પણ થઇ શકશે એવો અમને વિશ્વાસ છે.