Ashwini Vaishnaw on Indian Railways: “ભારતમાં ટ્રેન ભાડું પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં સસ્તું! રેલવે મંત્રી વૈષ્ણવનો દાવો”

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Ashwini Vaishnaw on Indian Railways: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં રેલવે મંત્રાલયની કામગીરી પર ચર્ચા દરમિયાન ભારતીય રેલવેની સિદ્ધિઓ અને ભાવિ યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ‘ભારતીય રેલવે મુસાફરોને પરવડે તેવા ભાડામાં સલામત અને ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ આપવામાં આવી રહી છે. ભારતમાં રેલ ભાડું પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા પાડોશી દેશો કરતાં ઓછું છે, તેમજ પશ્ચિમી દેશો કરતાં 10-20 ગણું સસ્તું છે.’

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાનું ઉદાહરણ

- Advertisement -

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘ભારતીય રેલવેએ 2020 થી પેસેન્જર ભાડામાં વધારો કર્યો નથી. પાડોશી દેશોની સરખામણીમાં ભારતમાં આજે સૌથી સસ્તું રેલ ભાડું છે. એક ઉદાહરણ આપતા કેન્દ્રીય મંત્રીએ સમજાવ્યું કે હાલમાં ભારતમાં 350 કિલોમીટરનું અંતર કાપવા માટેનું ટ્રેન ભાડું 121 રૂપિયા છે, જયારે પાકિસ્તાનમાં આટલા જ અંતરનું ટ્રેન ભાડું 436 રૂપિયા છે, તો બાંગ્લાદેશમાં 323 રૂપિયા અને શ્રીલંકામાં 413 રૂપિયા છે.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘જો આપણે યુરોપિયન દેશો પર નજર કરીએ તો તેના ભાડા ભારત કરતા 20 ગણા વધારે છે.’

રેલવે મુસાફરોને 47% સબસિડી આપી રહી છે

- Advertisement -

રેલવે મંત્રીએ કહ્યું કે, ‘ટ્રેનમાં પ્રતિ કિલોમીટર મુસાફરીનો ખર્ચ ₹1.38 છે, જ્યારે મુસાફરો પાસેથી માત્ર 73 પૈસા જ વસૂલવામાં આવે છે એટલે કે રેલવે મુસાફરોને 47% સબસિડી આપી રહી છે. નાણાકીય વર્ષ 2022-23માં, મુસાફરોને ₹57,000 કરોડની સબસિડી આપવામાં આવી હતી, જે 2023-24માં વધીને લગભગ ₹60,000 કરોડ થઈ હતી.

રેલવે મંત્રીએ કહ્યું- સુરક્ષા પર ધ્યાન આપો

- Advertisement -

સંસદમાં સુરક્ષા બાબતે વાત કરતા રેલવે મંત્રીએ કહ્યું કે, ‘રેલવે સુરક્ષા પર અમારું ધ્યાન છે. આ દિશામાં આગળ વધતા ભારતીય રેલવે દ્વારા ઘણા ટેકનિકલ ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં લાંબી રેલ, ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ, ફોગ સેફ્ટી ડિવાઈસ અને અન્ય ઘણા મોટા પગલાઓનો સમાવેશ થાય છે જે ભારતીય રેલવેમાં સતત કરવામાં આવી રહ્યા છે.’

ગરીબ મુસાફરોની સુવિધા માટે જનરલ કોચમાં વધારો કરાયો

રેલવે મંત્રીએ કહ્યું કે, ‘રેલવેનું ધ્યાન ગરીબ મુસાફરોની સુવિધા પર છે. આ કારણોસર એસી કોચની સરખામણીમાં જનરલ કોચની સંખ્યામાં અઢી ગણો વધારો કરવામાં આવી રહ્યો છે. વર્તમાનમાં 17,000 નોન-એસી કોચનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રેલવેની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ રહ્યો છે. હાલમાં રેલવેની આવક 2.78 લાખ કરોડ રૂપિયા છે જ્યારે ખર્ચ 2.75 લાખ કરોડ રૂપિયા છે.’

રેલવેની સિદ્ધિઓ વિષે પણ વાત કરી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેની સિદ્ધિઓ અંગે વાત કરતા કહ્યું કે, ‘12,000 રેલ ફ્લાયઓવર અને રેલ અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે, જેનાથી દેશને ઘણો ફાયદો થયો છે. આ સિવાય 34,000 કિલોમીટરના રેલવે ટ્રેક બનાવવામાં આવ્યા છે, જે જર્મનીના સમગ્ર રેલ નેટવર્ક કરતા વધુ છે. 50,000 કિલોમીટરના જૂના ટ્રેકને હટાવીને નવા ટ્રેક નાખવામાં આવ્યા છે, જેના કારણે સુરક્ષામાં મોટો સુધારો થયો છે.’

Share This Article