Supreme Court’s On Maintenance Allowance: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, પતિ-પત્નીની આર્થિક સ્થિતિ સમાન હોય તો ગુજરાન ભથ્થું ચૂકવવાની આવશ્યકતા નથી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Supreme Court’s On Maintenance Allowance: સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે, જો પતિ -પત્નીની આર્થિક અને સામાજિક સ્થિતિ સમાન હોય તો પત્નીને ગુજરાન ભથ્થું ચૂકવવાની કોઈ જરૂર નથી. આ નિર્ણય એક મહિલા દ્વારા તેના અલગ થયેલા પતિ પાસેથી ગુજરાન ભથ્થું મેળવવા માટે દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આવ્યો છે. આ કેસમાં કોર્ટે જોયું કે, બંને પક્ષો સહાયક પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા હતા અને મહિલા સ્વતંત્ર રીતે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે સક્ષમ છે.

પત્ની આત્મનિર્ભર હોય તો ગુજરાન ભથ્થું ચૂકવવાની જરૂર નથી

- Advertisement -

જસ્ટિસ અભય એસ. ઓકા અને ઉજ્જવલ ભુઈયાંની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી. કોર્ટે પોતાના ટૂંકા આદેશમાં કહ્યું કે, ‘અરજદાર અને પ્રતિવાદી (પતિ-પત્ની) બંને એક જ પદ એટલે કે સહાયક પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેથી આ ખાસ પરવાનગી અરજી ફગાવી દેવામાં આવે છે.’ કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું કે, ‘જો પત્ની આત્મનિર્ભર હોય અને પોતાની આવકમાંથી ગુજરાન ચલાવી શકે, તો પતિ પર ગુજરાન ભથ્થું ચૂકવવાની જવાબદારી નથી રહેતી.’

હું ગુજરાન ભથ્થું મેળવવાની હકદાર છું

મહિલાએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે, ‘ભલે મારી પોતાની આવક છે પરંતુ તેમ છતાં હું ગુજરાન ભથ્થું મેળવવાની હકદાર છું. તેણે કહ્યું કે, મારા પતિની માસિક આવક લગભગ 1 લાખ રૂપિયા છે, જ્યારે મારી આવક લગભગ 60,000 રૂપિયા છે.’ જોકે, પતિ તરફથી એડવોકેટ શશાંક સિંહે કોર્ટને જણાવ્યું કે, ‘બંનેની સ્થિતિ સમાન હોવાના કારણે ગુજરાન ભથ્થું ચૂકવવાની કોઈ જરૂર નથી.’ આ દાવાની પુષ્ટિ કરવા માટે કોર્ટે બંને પક્ષોને છેલ્લા એક વર્ષની સેલેરી સ્લિપ સબમિટ કરવા કહ્યું હતું.

મહિલાઓના આત્મનિર્ભરતા અને સમાનતાના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ પગલું

મધ્યપ્રદેશ હાઈકોર્ટ અને નીચલી કોર્ટે મહિલાની ગુજરાન ભથ્થુંની માગણી ફગાવી દીધા બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને મહિલાઓના આત્મનિર્ભરતા અને સમાનતાના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ નિર્ણય એવા કિસ્સાઓમાં એક ઉદાહરણ બની શકે છે જ્યાં પતિ અને પત્ની બંનેની નાણાકીય સ્થિતિ સમાન હોય અને કોઈ પણ પક્ષ બીજા પર નિર્ભર ન હોય.

Share This Article