Balochistan 72-attacks: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આઝાદી માટે લોહીયાળ જંગ શરૂ થઇ ગઇ છે. બલુચિસ્તાનની આઝાદી માટે આ લડાઇ લડનારા સંગઠન બલૂચ રાજી આઝોઇ સંગર (બ્રાસ)એ બલુચિસ્તાનમાં એક સાથે ૭૨ હુમલામાં સામેલ હોવાની જવાબદારી લીધી છે. સાથે જ કહ્યું છે કે પાકિસ્તાને ૨૭મી માર્ચ ૧૯૪૮ના રોજ બલુચિસ્તાન પર કબજો કર્યો હતો, અમે તેને આઝાદ કરાવીને જ રહીશું. જે માટે અમે પાક. સેના, સુરક્ષા જવાનો, પોલીસ ચોકીઓ, સરકારી કચેરીઓ અને ગુપ્ત એજન્સીઓ તેમજ આર્થિક સંપત્તિઓને નિશાન બનાવીને ૭૨ હુમલા કર્યા છે.
બલુચિસ્તાનમાં અગાઉ બલોચ લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક કરીને ૫૦૦ મુસાફરોને બંધક બનાવ્યા હતા અને ૨૦૦થી વધુ જવાનોને ઠાર માર્યાનો પણ દાવો કર્યો હતો, હવે બલોચ રાજી આજોઇ સાંગર (બ્રાસ) દ્વારા પણ હુમલા કરાયા છે. બ્રાસ બલુચિસ્તાનમાં આઝાદીની ચળવળ ચલાવનારા તમામ સંગઠનોનું એક સંગઠન છે. બ્રાસે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે તેમના ફાઇટર્સે ઓક્યુપેશન ડે એટલે કે પાકિસ્તાન દ્વારા કબજો કરાયો તે દિવસે ૭૨ જેટલા હુમલા કર્યા છે જેમાં પાકિસ્તાની સેનાના ૩૨ સૈનિકો માર્યા ગયા છે જ્યારે અનેક ઘવાયા છે.
બ્રાસના પ્રવક્તા બલોચ ખાને વધુમાં કહ્યું છે કે અમારા હુમલામાં પાકિસ્તાની સેનાના ૧૪ વાહનોનો ખાતમો કરવામાં આવ્યો છે, સાથે જ બલુચિસ્તાનના મુખ્ય હાઇવેને જામ કરી દેવામાં આવ્યા હતા અને કેટલાક વિસ્તારો પર કબજો કરી લીધો છે. પાકિસ્તાને બલુચિસ્તાન પર કબજો કર્યો તેની સામે બળવાના ભાગરૂપે આ હુમલા કરવામાં આવ્યા હતા. તમામ હુમલાની વિગતો આપતા બ્રાસે કહ્યું હતું કે એક બસ પર કબજો કરીને છ સૈનિકો ઠાર કર્યા હતા, તેવી જ રીતે એલપીજી સિલિન્ડર લઇને જઇ રહેલા એક ટેન્કરનો નાશ કર્યો હતો. ગ્વાદર પોર્ટ ઓથોરિટી વિસ્તારમાં પાકિસ્તાની સેનાના વાહનો પર હુમલા કર્યા હતા. ગ્વાદરના જ એરપોર્ટ રોડ પર સેનાની એક પોસ્ટ પર કબજો કરી લીધો હતો. આ હુમલા માટે ગ્રેનેડ લોન્ચર્સ, ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત કોસ્ટ ગાર્ડ કેમ્પોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. આશરે ૭૨ હુમલામાં ૩૨થી વધુ સૈનિકોને ઠાર માર્યા છે. સાથે જ તુર્બત શહેર તેમજ ક્વેટા-કચારી સહિતના નેશનલ હાઇવે પર કબજો કરી લીધો છે. બલુચિસ્તાનમાં હાલ આઝાદીની લડાઇ હિંસક બની ચુકી છે એવામાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ચેતવણી આપી હતી કે બલુચિસ્તાનમાં નિર્દોશ નાગરિકો પર અત્યાચાર અયોગ્ય છે, હાલમાં હિંસાની ઘટનાઓ વધી રહી છે અને ત્યાંના સંગઠનો દ્વારા જે પ્રકારના હુમલા વધી રહ્યા છે તે ચિંતાજનક છે. જો આ જ સ્થિતિ રહી તો પાકિસ્તાનના હાલ ૧૯૭૧ જેવા થશે જેમાં પાકિસ્તાને એક મોટો હિસ્સો ગુમાવ્યો હતો જેને હાલ બાંગ્લાદેશ તરીકે ઓળખવામાં આવે છે. ઇમરાન ખાનનો દાવો છે કે બલુચિસ્તાન પણ બાંગ્લાદેશની જેમ અલગ દેશ બની શકે છે જેને રોકવા માટે પાક. સેનાને તેમણે એલર્ટ કરી હતી. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને બલુચિસ્તાનની સ્થાનિક સરકારે સમગ્ર વિસ્તારમાં રાત્રીના બહાર નિકળવા પર પ્રતિબંધ મુકી દીધો છે અને કેટલાક વિસ્તારોમાં કરફ્યુ લાગુ કરી દેવાયો છે.