Huge returns in gold and silver: વર્તમાન નાણાં વર્ષ સમાપ્ત થવાની તૈયારીમાં છે ત્યારે વિવિધ એસેટ કલાસ પર વળતરની દ્રષ્ટિએ ઈક્વિટીસ અને રૂપિયા કરતા સોનાચાંદી પર રોકાણકારોને નોધપાત્ર વળતર પ્રાપ્ત થયું હોવાનું ઉપલબ્ધ ડેટા પરથી કહી શકાય એમ છે.
પ્રાપ્ત ડેટા પ્રમાણે ૧લી એપ્રિલ, ૨૦૨૪થી ૨૮ માર્ચ, ૨૦૨૫ના ગાળામાં રોકાણકારોને ઈક્વિટીસ પર પાંચ ટકાથી સાધારણ વધારે વળતર પ્રાપ્ત થયું છે જ્યારે સોનાચાંદીમાં રોકાણ પર રોકાણકારોને જંગી વળતર પ્રાપ્ત થયું છે.૧લી એપ્રિલ ૨૦૨૪થી ૨૮મી માર્ચના ગાળામાં સોનાના ભાવમાં અંદાજે ૨૯ ટકા વધારો થયો છે જ્યારે ચાંદી આ એક વર્ષમાં ૩૪ ટકા ઉછળી હોવાનું સ્થાનિક સોનાચાંદી બજારના ભાવ સૂચવે છે.
૧લી એપ્રિલ, ૨૦૨૪ના ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૬૮૬૬૩ રહ્યા હતા જે ૨૮મી માર્ચના રૂપિયા ૮૯૧૬૪ બંધ રહ્યા હતા જ્યારે ચાંદી એક કિલોના રૂપિયા ૭૫૧૧૧ રહ્યા હતા તે વર્તમાન નાણાં વર્ષના અંતિમ સપ્તાહમાં રૂપિયા એક લાખને પાર કરી રૂપિયા ૧૦૦૮૯૨ બંધ રહી હતી.
વૈશ્વિક સ્તરે સોનાનો ભાવ ૨૨૦૭ ડોલર પ્રતિ ઔંસવાળો એક વર્ષમાં વધી ૩૦૮૫ ડોલર રહ્યો હતો. ચાંદી ૨૪.૫૪ ડોલર પરથી વધી ૩૪.૫૦ ડોલર બંધ આવી છે.
ઈક્વિટી રોકાણકારો માટે વર્તમાન નાણાં વર્ષ ભારે ઊથલપાથલમાં પસાર થયું છે. નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં જોવા મળેલો જંગી લાભ પાછલા છ મહિનામાં ધોવાઈ ગયો હતો અને બેન્ચમાર્ક સેન્સેકસે વર્તમાન નાણાં વર્ષના અંતે ૫.૧૧ ટકા વળતર પૂરુ પાડયું છે જ્યારે નિફટી પર રોકાણકારોને ૫.૩૪ ટકા કમાણી થઈ છે.
વૈશ્વિક સ્તરે સોનાચાંદીમાં મોટી તેજીએ ઘરઆંગણે ભાવમાં આકર્ષક વધારો કરાવ્યો છે. અમેરિકામાં નવી સરકારની રચના તથા યુદ્ધની સ્થિતિથી ભૈૌગોલિકરાજકીય તાણને પરિણામે સોનામાં સેફહેવન બાઈંગે ભાવ ઊંચકાયા છે. વર્તમાન નાણાં વર્ષમાં ડોલર સામે રૂપિયામાં ૨.૧૦ ટકાનો ઘટાડો થયો છે.
ડોલરનું મૂલ્ય રૂપિયા સામે ૮૩.૪૦ રૂપિયા હતું તે એક વર્ષમાં વધી ૮૫.૫૦ રહ્યું હતું. વર્ષ દરમિયાન એક તબક્કે ડોલરનું મૂલ્ય ૮૮ રૂપિયા જોવા મળ્યુ હતું. ગત નાણાં વર્ષમાં સોનાચાંદીની સરખામણીએ ઈક્વિટી રોકાણકારોને મજબૂત વળતર પ્રાપ્ત થયાનું જોવા મળ્યું હતું.