US Student Visa: અમેરિકન સરકારે અમેરિકામાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓના એફ-૧ વિઝા અચાનક રદ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ચરોતરમાંથી અમેરિકા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારમાં ફફડાટ ફેલાયો છે. હાલ ચરોતરના ૧,૧૮૦થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ અવઢવમાં મુકાઈ ગયું છે. સ્ટુડન્ટ વિઝાની ફાઈલ મુકનારા ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓની સ્થિતિ પણ કફોડી બની છે.
સરકારે કેમ્પસ એક્ટિવિટીમાં ભૌતિક રીતે સામેલ થયેલા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કર્યા હતા પરંતુ હવે એવા વિદ્યાર્થીઓને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કે જેઓ કેમ્પસમાં કોઈપણ જાતની વિરોધની પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય તો પણ તેઓ સરકાર વિરોધી ગણી શકાય તેમ જ સોશિયલ મીડિયા ઉપર કોઈ પોસ્ટ કરી હોય અથવા લાઇક પણ કરી હોય અથવા શેર પણ કરી હોય અથવા કોમેન્ટ પણ કરી હોય તેવા તમામ વિદ્યાર્થીઓ હવે સરકારના નિયમો મુજબ તપાસના દાયરામાં આવી ગયા છે. જેથી હાલ સરકારે તમામ વિદ્યાર્થીઓને મેલ મોકલી દીધા છે.
વિદ્યાનગરના ઇમિગ્રેશન કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલા મેલમાં જણાવવામાં આવેલું છે કે, વિઝા યુએસ ઈમિગ્રેશન અને રાષ્ટ્રીય અધિનિયમની કલમ ૨૨૧/૧ મુજબ રદ કરવામાં આવે છે. ઇમિગ્રેશન સ્ટેટસ સિવાય હવે અમેરિકામાં રહેવાથી દંડ, ધરપકડ અથવા દેશ નિકાલ પણ કરી શકાય તેમ છે. જેથી તમામ વિદ્યાર્થીઓને જેમને મેલ પાઠવવામાં આવેલો છે તેમને દેશ છોડવાનો હુકમ કરવામાં આવેલો છે. ભારતના અંદાજિત સાડા ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ હાલ અમેરિકામાં એફ-૧ વિઝા હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે સરકારના આવા નિર્ણયથી ચરોતરના ૧,૧૮૦થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાઈ ગયું છે.
ચરોતરના કેટલાય વાલીઓએ પોતાની કિંમતી જમીન, સોનુ ગીરવે મૂકીને, મોટું વ્યાજ ચૂકવીને પોતાના દીકરા- દીકરીને ભણવા માટે અમેરિકા મોકલ્યા છે. ત્યારે અમેરિકાની સરકાર બાળકોને પરત મોકલે તો પરિવાર મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવનાઓ રહેલી છે.
આણંદ, વિદ્યાનગર, બોરસદ, ખંભાત, ઉમરેઠ સહિતના શહેરોમાં ઇમિગ્રેશન અને સ્ટુડન્ટ વિઝાના કામ કરતી એજન્સીઓ દ્વારા અંદાજિત ૪૫૦થી વધુ સ્ટુડન્ટોની વીઝા માટેની ફાઈલ અમેરિકન કોન્સ્યુલેટમાં એપ્લાય કરાઈ છે. જેનું પરિણામ હજુ સુધી આવ્યું નથી. એક ઈમિગ્રેશન કન્સલ્ટન્ટના જણાવ્યા મુજબ, અમેરિકન સરકારે વિઝા રદ કરવાના મેલ કર્યા છે પરંતુ, વિદ્યાર્થીઓ દ્વારા ભરેલી ફી પરત આપવાની કે નહીં તે બાબતનો કોઈ ખુલાસો કરેલો નથી. કોલેજો કે યુનિવસટીઓ પણ ફી પરત આપવા સંદર્ભે કોઈ ખુલાસો કરી રહી નથી. જેથી વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મૂકાયા છે.