China Action Against Trump Tariff: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટેરિફ નીતિના કારણે ચીન ભારત સાથે દ્વિપક્ષીય વેપાર સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. બેઈજિંગના એમ્બેસેડરે દાવો કર્યો છે કે, ચીન વેપારને સંતુલિત કરવા અમેરિકાના સ્થાને ભારત પાસેથી વધુ ચીજોની આયાત કરશે. ચીને જાપાન અને દક્ષિણ કોરિયા સાથે મળી અમેરિકાના ટેરિફનો જવાબ આપવાની તૈયારી પણ કરી છે.
બેઈજિંગના એમ્બેસેડર ઝુ ફયાંગે મીડિયાને જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા ટેરિફની જાહેરાતના પગલે અમે ભારત સાથે વેપાર અને અન્ય ક્ષેત્રોમાં સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ સહકાર સ્થાપિત કરવા પ્રયાસો કરી રહ્યા છીએ. ચીનના બજારમાં ભારતીય પ્રોડક્ટ્સની વધુને વધુ આયાત કરવામાં આવશે.
ભારત-ચીન વચ્ચે 101.7 અબજ ડોલરનો વેપાર
ભારત અને ચીન વચ્ચેના સંબંધો ભલે કડવાશભર્યા હોય પરંતુ દ્વિપક્ષીય વેપાર સંબંધો મજબૂત છે. દેશના વેપાર મંત્રાલયના ડેટા અનુસાર, 2023-24માં બંને દેશો વચ્ચે 101.7 અબજ ડોલરનો વેપાર થયો હતો. ભારતે પેટ્રોલિયમ ઓઈલ, આયર્ન ઓર, મરિન પ્રોડક્ટ્સ, અને વેજિટેબલ ઓઈલ સહિતની મુખ્ય આયાત જ કુલ 16.6 અબજ ડોલરની નોંધાઈ હતી.
બીજી એપ્રિલથી લાગુ થઈ શકે રેસિપ્રોકલ ટેરિફ
ટ્રમ્પે બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. જે દેશો અમેરિકા પાસેથી જેટલો ટેરિફ વસૂલે છે, તેટલો જ ટેરિફ તેમની પાસે વસૂલવાની તૈયારી અમેરિકાએ દર્શાવી છે. વધુમાં ચીનની તમામ પ્રોડક્ટ્સ પર 20 ટકા ટેરિફ લાદવાની જાહેરાત પણ કરી હતી. ટ્રમ્પની જેવા સાથે તેવાની નીતિ વેપાર સંબંધો પર અસર કરી શકે છે. જેનાથી વિશ્વભરમાં ટ્રેડ વોર સર્જાવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
ચીનની એશિયન બજારો તરફ નજર
ચીનની ભારત પાસેથી વધુ પ્રોડક્ટ્સ ખરીદવાની ઈચ્છા ઉપરાંત જાપાન અને દક્ષિણ કોરિયા સાથે પણ વેપાર સંબંધો વધુ ગાઢ બનાવવાની તૈયારી કરી છે. ચીનના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે, તેઓ જાપાન અને દક્ષિણ કોરિયા સાથે મળી અમેરિકાના ટેરિફનો જવાબ આપવા તૈયાર છે. જાપાન અને દક્ષિણ કોરિયા ચીન પાસેથી સેમિકંડક્ટર ીપ્સની આયાત કરવા માગે છે, જ્યારે ચીન પણ જાપાન અને દક્ષિણ કોરિયા પાસેથી ચીપ પ્રોડક્ટ્સ ખરીદવાની ઈચ્છા ધરાવે છે. ત્રણેય દેશો સપ્લાય ચેઈનને મજબૂત બનાવવા તેમજ નિકાસ નિયંત્રણ પર ચર્ચા કરવા સહમત થયા છે.