Vadodara GSEC: રાજ્યભરના મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો વડોદરા ખાતે આવેલી જીસેક (ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન)ની ઓફિસ બહાર તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા ભૂખ હડતાલ પર ઉતરીને ત્રણ દિવસથી ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે જીસેકમાં અગાઉ 800 જેટલી જગ્યાઓ ખાલી હતી. આ અંગે લેવાયેલી પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં રાજ્યભરના વિવિધ જિલ્લામાંથી કેટલાય બેરોજગાર યુવકો જરૂરી કાર્યવાહીમાં ખરા ઉતર્યા હતા. ત્યારબાદ અત્યાર સુધી આવા બેરોજગાર યુવકોને નોકરી પર લેવાયા નથી. જેથી રાજ્યભરના અનેક બેરોજગાર યુવકો અગાઉ પણ વીજ કંપનીની ઓફિસે એકત્ર થઈને ધારણા સહિત સૂત્રોચ્ચારમાં જોડાયા હતા ત્યારે તંત્ર દ્વારા આવા બેરોજગાર યુવકોને સાંત્વના આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી નહીં જતા આજે ફરી એકવાર રાજ્યભરના અનેક બેરોજગાર યુવકો જીસેકની ઓફિસે એકત્ર થયા હતા અને ભારે સૂત્રોચ્ચારથી તંત્ર સુધી તેમની માંગ પહોંચાડવા ભૂખ હડતાલ પર બેઠા હતા.