Gujarat Government Corrupt Officials: સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર વકર્યો છે. આમ જનતાનું કામ થતું નથી. પૈસા આપો, તમાશા દેખો જેવો ઘાટ સર્જાયો છે. ભ્રષ્ટ અધિકારીઓ પૈસા વિના કામો કરતા નથી તેવી વ્યાપક ફરિયાદો થઈ છે ત્યારે સરકાર રહી રહીને સફાળી જાગી છે. હવે સરકારે એવો આદેશ કરવો પડયો છે કે, અરજી પડતર રહેશે તો જવાબદાર અધિકારી સામે પગલાં ભરાશે.
સરકારી કચેરીઓમાં સામાન્ય વ્યક્તિને કામ માટે ધરમધક્કાં ખાવા પડે છે. પૈસા આપો તો જ કામ થાય છે. આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં પણ ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે એવો આક્ષેપ કર્યો હતો કે, મારી એનએની ફાઇલમાં 20 વાંધા રજૂ કરાયા હતાં પણ પૈસા આપતાં જ ફાઇલ ક્લિયર થઇ ગઈ હતી.
મોટાભાગની સરકારી કચેરીઓમાં જ આ પરિસ્થિતી પ્રવર્તી રહી છે. અધિકારીઓ આમ જનતાનું સાંભળતાં નથી. અરજીઓનો નિકાલ થતો નથી. સરકારી કચેરીઓમાં વચેટિયા વિના કામો થતાં નથી. આ સ્થિતી સર્જાતા લોકો સરકારની ટીકા કરી રહ્યાં છે. ખુદ ભાજપના ધારાસભ્યો સરકારમાં રજૂઆત કરી રહ્યાં છે કે, સરકારી બાબુઓ કામ કરતાં નથી. આ સંજોગોમાં હવે સરકાર પ્રતિષ્ઠા સુધારવા મથામણ કરી રહી છે. રાજ્ય સરકારે હવે રહી રહીને સરકારી કચેરીઓમાં સૂચના આપી છે કે, અરજીઓનો તાકીદે નિકાલ કરો. નહીતર પગલાં ભરાશે.