Manoj Kumar Funeral: બોલિવૂડના પીઢ અભિનેતા મનોજ કુમારના આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 87 વર્ષની વયે તેમણે ગઇકાલે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આજે બોલિવૂડની અનેક સેલિબ્રિટિઝે મનોજ કુમારને શ્રદ્ધાંજલિ આપી હતી.
મનોજ કુમારના અનેક પરિવારજન વિદેશથી તેમને અંતિમ વિદાય આપવા ભારત આવ્યા છે. આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સવારે 11 વાગ્યે તેમનો પાર્થિવ દેહ સ્મશાન ઘાટ પહોંચ્યો અને 12 વાગ્યાની આસપાસ મનોજ કુમાર પંચમહાભૂતમાં વિલીન થયા. અંતિમ વિદાય આપવા માટે પ્રેમ ચોપડા, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, સલીમ ખાન, અરબાઝ ખાન, ચંકી પાંડે, ભાગ્યશ્રી, ધર્મેન્દ્ર પણ પહોંચ્યા હતા.
મનોજ કુમારનો જન્મ 24 જુલાઇ 1937ના રોજ પાકિસ્તાનમાં થયો હતો. તેમનું અસલ નામ હરિકૃષ્ણ ગિરિ ગોસ્વામી હતું. ભારત પાકિસ્તાનના વિભાજન સમયે તેમનો પરિવાર દિલ્હી આવી ગયો હતો. તેમણે 1957માં ‘ફેશન’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.