Group Captain Shubanshu will create history in space : ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર જનારા પહેલા ભારતીય અવકાશયાત્રી હશે. તેઓ મે 2025 માં ઉડાન ભરશે. આ યાત્રા એક્સિયમ મિશન 4 (Ax-4) હેઠળ થશે, જેમાં શુક્લા એક્સિયમ સ્પેસ દ્વારા આયોજિત ખાનગી અંતરિક્ષ મિશનના સભ્ય હશે.
શુભાંશુ શુક્લાની ભૂમિકા અને ઐતિહાસિક યાત્રા
શુભાંશુ શુક્લાનું અંતરિક્ષમાં જવું એ ભારતીય અંતરિક્ષ યાત્રા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ભારતીય અવકાશ એજન્સી ISRO ના “ગગનયાન” મિશનનો ભાગ બનવા માટે પણ તેમની પસંદગી કરવામાં આવી છે. ગગનયાન મિશન ભારતનું પ્રથમ માનવયુક્ત અંતરિક્ષ મિશન છે, જેમાં એક થી ત્રણ અંતરિક્ષયાત્રીઓ પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મુસાફરી કરશે. શુક્લાની એક્સિયમ મિશન 4 ની યાત્રા ગગનયાન મિશન પહેલા એક મહત્ત્વપૂર્ણ અનુભવ સાબિત થશે.
આ મિશનમાં શુક્લા સિવાય NASAના પૂર્વ અંતરિક્ષયાત્રી પેગી વ્હિટસન પણ મિશન કમાન્ડર તરીકે આ મિશનનો ભાગ બનશે અને પોલેન્ડના સ્લાવોસ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીના ટિબોર કાપુ પણ આ મિશનનો ભાગ રહેશે.
પ્રશાંત બાલકૃષ્ણન નાયરને બેક-અપ અંતરિક્ષયાત્રી તરીકે નિયુક્ત કરાયા
ભારતે શુભાંશુ શુક્લાના બેક-અપ અંતરિક્ષયાત્રી તરીકે ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરની પણ નિમણૂક કરી છે. પરંતુ જો શુભાંશુ કોઈ કારણસર મિશન પર ન જઈ શકે, તો નાયર તેની જગ્યાએ ISS પહોંચશે. આ સાથે કોઈપણ અણધારી પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે, અંતરિક્ષ મિશનમાં આ બેક-અપ પ્લાન સામાન્ય પ્રક્રિયા છે.
એક્સિયમ મિશન 4 (Ax-4) અને આંતરરાષ્ટ્રીય સહયોગ
એક્સિયમ મિશન 4 (Ax-4) ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે અને તેને સ્પેસX ડ્રેગન અવકાશયાન દ્વારા લઈ જવામાં આવશે. આ મિશનમાં અંતરિક્ષયાત્રીઓ 14 દિવસ સુધી ISS પર રહેશે, જ્યાં તેઓ વૈજ્ઞાનિક અભ્યાસ, શિક્ષણ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ અને વ્યાપારી મિશન હાથ ધરાશે. આ મિશન એટલા માટે પણ મહત્ત્વ પૂર્ણ છે કારણ કે શુભાંશુ શુક્લા સાથે પોલેન્ડ અને હંગેરીના અંતરિક્ષયાત્રીઓ પણ પહેલીવાર ISS જશે.