PM Modi Visit Ramanathaswamy Temple On Ram Navami : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના પ્રવાસ બાદ આજે શ્રીલંકાથી પરત ફર્યા છે. શ્રીલંકાથી પરત ફર્યા બાદ તેઓ સીધા તમિલનાડુ પહોંચ્યા છે. અહીં તેઓએ રામ નવમીના અવસર પર ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. ત્યાર બાદ પ્રતિષ્ઠિત રામનાથસ્વામી મંદિરમાં પણ પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત પીએમ મોદી તમિલનાડુમાં 8,300 કરોડ રૂપિયાથી વધુના મોટા પ્રોજેક્ટ્સનું શુભારંભ કરાવશે.
આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન આજે બપોરે રામનાથસ્વામી મંદિર પહોંચશે. તેઓએ અહીં દર્શન અને પૂજા કરશે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને ચારધામ યાત્રાઓમાં સામેલ છે. તેમજ આ મંદિર રામાયણ સાથે પણ સંકળાયેલું છે, કારણ કે રાવણનો વધ કર્યા પછી ભગવાન રામે બ્રાહ્મણના વધના પાપથી મુક્તિ મેળવવા માટે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. પીએમ મોદીએ અગાઉ 20 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આ મંદિરમાં પૂજા કરી હતી.
નવા પંબન રેલ્વે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું
રામનાથ સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કર્યા પછી પીએમ મોદી તમિલનાડુને અનેક ભેટ આપવાના છે. તેઓ બપોરે 12 વાગ્યે રામેશ્વરમ ખાતે નવા પંબન રેલ્વે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. જે 2.08 કિલોમીટર લાંબો પુલ રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડે છે. આ 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે. કે જેમાં 99 સ્પાન અને 7205 મીટર લાંબો વર્ટિકલ લિફ્ટ સ્પાન છે. આ પુલની ખાસિયત એ છે કે, તેની નીચેથી મોટા જહાજો પસાર થઈ શકે તે માટે 17 મીટરની ઊંચાઈ સુધી ઊંચો કરી શકાય છે, આ પુલ ડબલ રેલ ટ્રેક માટે બનાવવામાં આવ્યો છે.
નવી ટ્રેન સેવાનું શુભારંભ કરાવ્યું
આ દરમિયાન પીએમ મોદી રામેશ્વરમ અને તાંબરમ (ચેન્નાઈ) વચ્ચે નવી ટ્રેન સેવાને લીલી ઝંડી આપશે. તેઓ પુલના લિફ્ટ મિકેનિઝમનું લાઇવ પ્રદર્શન પણ જોશે. તે નજીકના રોડ બ્રિજ પરથી પ્રતીકાત્મક રીતે એક જહાજ પણ લોન્ચ કરશે.
આકાશમાંથી રામસેતુના દિવ્ય દર્શન કર્યા
પીએમ મોદીએ શ્રીલંકાથી પરત ફરતી વખતે રામસેતુના દર્શનનો વીડિયો શેર કર્યો છે. PM મોદીએ લખ્યું છે કે, ‘આજે રામનવમીના પાવન પ્રસંગે શ્રીલંકાથી પરત ફરતા સમયે આકાશમાંથી રામસેતુના દિવ્ય દર્શન થયા. ઇશ્વરીય સંયોગથી હું જે સમયે રામસેતુના દર્શન કરી રહ્યો હતો તે સમયે મને અયોધ્યામાં રામલલાના સૂર્યતિલકના દર્શનનું પણ સૌભાગ્ય મળ્યું. મારી પ્રાર્થના છે કે આપણા બધા પર પ્રભુ શ્રીરામની કૃપા બની રહે.’