Pharmacy College Inspection: નવા શૈક્ષણિક વર્ષ 2025-26 પહેલાં દેશભરમાંથી નવી ફાર્મસી કોલેજોને નવી મંજૂરી, રીન્યુઅલની મંજૂરી તેમજ નવા કોર્સની મંજૂરીથી માંડી બેઠક વધારા-ઘટાડા માટે મંજૂરીની પ્રક્રિયા અંતર્ગત કાઉન્સિલ દ્વારા કોલેજોમાં ઈન્સપેકશન પ્રક્રિયા શરૂ કરવામા આવી છે. જે અંતર્ગત ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા ઈન્સપેકટરો-નિરિક્ષકોને કડક સૂચના આપવામા આવી છે કે, કોલેજો ડમી આચાર્ય કે ડમી ફેકલ્ટી બતાવી શકે છે જેથી આ બાબતે પૂરતી ચકાસણી કરીને આચાર્યથી માંડી તમામ ફેકલ્ટીની ક્વોલિફિકેશન અને ડમી છે કે નહીં તે બાબતની ખરાઈ કરવામા આવે. જો કોલેજોમાં ગેરરીતિ ધ્યાને આવશે અને ઈન્સ્પેકટર દ્વારા યોગ્ય ચેકિંગ નહીં થયુ હોય તો કાઉન્સિલ દ્વારા પોલીસ ફરિયાદ સુધીના પગલાં લેવામાં આવશે.
આચાર્ય-ફેકલ્ટી મુદ્દે ગેરરીતિ ધ્યાને આવશે તો પોલીસ ફરિયાદ સુધીના પગલાં લેવાશે
નવા શૈક્ષણિક વર્ષમાં મંજૂરીની પ્રક્રિયાને લઈને બી.ફાર્મ, ડી.ફાર્મ સહિતના કોર્સની ફાર્મસી કોલેજો, નવી કોલેજો અને સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવ્યા બાદ હાલ કાઉન્સિલ દ્વારા ઈન્સપેકશનની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેમાં કાઉન્સિલ દ્વારા રૂબરૂ તપાસ કરતા નીરિક્ષકો એટલે કે ઈન્સપેકટર્સ માટે સ્પેશ્યલ ગાઈડલાઈન જાહેર કરવામા આવી છે. કાઉન્સિલ દ્વારા આ ગાઈડલાઈન જાહેર કર્યા બાદ તેનું સંપૂર્ણ રીતે પાલન ન થતુ હોવાથી તાજેતરમાં કાઉન્સિલે ઈન્સપેકટર્સ અને ઈન્સ્ટિટ્યુશન્સને સર્ક્યુલર કરીને ખાસ તાકીદ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્સપેક્ટર્સ દ્વારા માન્ય ક્યુઆર કોડ સાથેના ફેકલ્ટીના ફોટોગ્રાફ્સ યોગ્ય રીતે સબમિટ કરવામાં નથી આવતા. જેથી સંસ્થાઓએ ઈન્સપેકશન પહેલા તમામ ફેક્લટીના ક્યુઆર કોડ-સ્માર્ટ કાર્ડ સહિતની પૂરતી વ્યવસ્થા તૈયાર રાખવામા આવે. જો આવું નહીં થાય અને અવ્યવસ્થા હશે તો ઇન્સપેકશનનો તમામ ખર્ચ સંસ્થાએ ભોગવવો પડશે.
ઈન્સપેક્ટરોને અપાઈ ખાસ સૂચના
ઉપરાંત ઈન્સપેક્ટરોની કામગીરીમાં સંસ્થાની માન્યતા-મંજૂરી નથી આવતી. જેથી ઈન્સપેક્ટરો સંસ્થા દ્વારા જે-જે સુવિધાનો દાવો કરવામા આવે તે માટે માત્ર નોંધ-રિમાર્કસ જ કરે. જો ઈન્સપેક્ટર્સ દ્વારા યોગ્ય રીતે કામગીરી-ચકાસણી પ્રક્રિયા નહીં અનુસરવામા આવે તો ડીએના દાવા રીજેક્ટ થઈ શકે છે અને ડીજીફાર્મેડ પોર્ટલ પરથી બ્લોક કરી દેવામા આવશે. તમામ ઈન્સપેકટર્સ ફેકલ્ટી દ્વારા ક્યુઆર કોડ બેઝ સ્માર્ડ કાર્ડ યોગ્ય રીતે ધારણ કરવામા આવ્યા છે કે નહીં તેની ખાસ ચકાસણી કરવામા આવે અને વેરિફાઈ કરવામા આવે.
કેટલીક સંસ્થાઓ ડમી પ્રિન્સિપાલ-આચાર્ય પણ બતાવી શકે છે, જેથી ઈન્સપેક્ટર્સ દ્વારા તેમની ખાસ ખરાઈ કરવામા આવે અને ફેકલ્ટી-આચાર્યની શૈક્ષણિક લાયકાતથી માંડી, અનુભવ અનેપગાર સહિતની તમામ બાબતોની ચકાસણી કરવામા આવે. જો આ બાબતે ઈન્સેપક્ટર્સ તરફથી કે સંસ્થા તરફથી કોઈ પણ ગેરરીતિ ધ્યાને આવશે તો કાઉન્સિલ દ્વારા સંસ્થા અને ઈન્સપેક્ટર્સ સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. આ સિવાય 3 વર્ષ માટે ટીચિંગમાં બ્લેક લિસ્ટ કરી દેવાશે. ઉપરાંત ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા જે તે રાજ્યની સ્ટેટ ફાર્મસી કાઉન્સિલને રજિસ્ટ્રેશન કેન્સલેશન માટે પણ ભલામણ કરવામા આવશે.