CEC Meeting in Ahmedabad : ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને 100 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે તેમની જન્મભૂમિ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે બે દિવસ માટે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી પણ મહત્ત્વપૂર્ણ બેઠકો કરશે. ત્યારે પવન ખેરાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ‘આખા દેશમાં ઉદાસીનો માહોલ અને અંધારપટ છવાયેલો છે. દલિત, આદિવાસી, પછાત વર્ગ અને મહિલાઓ સાથે અન્યાય થઇ રહ્યો છે.’
આગામી 2027ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ જીતશે
દેશના ભવિષ્ય વિશે વાત કરતાં પવન ખેરાએ કહ્યું હતું કે ‘કોંગ્રેસ તરફ જોઇ રહ્યો છે અને કોંગ્રેસ ગુજરાત તરફ જોઇ રહી છે. જ્યારે પણ દેશમાં અંધકાર અથવા સંકટના વાદળો છવાયા છે, ત્યારે ગુજરાતે રસ્તો બતાવ્યો છે. 3 દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દૂર છે. કોંગ્રેસ ગુજરાતમાં ન્યાય પથ પર ચાલીને પરિવર્તન લાવશે અને આગામી 2027ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ જીતશે.’
આઝાદીના આંદોલનમાં પણ ગુજરાતે જ દિશા બતાવી હતી. અમે ફરીથી ઉર્જા લઇને આ પડકારોનો સ્વીકાર કરીશું. હજુ પણ આખો દેશ કોંગ્રેસ પાસે આશાની નજરે જોઇ રહ્યો છે. જનતાને વિશ્વાસ છે, કોંગ્રેસ જ રસ્તો બતાવશે.
ગુજરાતે હંમેશા દેશને રસ્તો બતાવ્યો છે
સરદાર વલ્લભભાઇ પટેલ વિશે વાત કરતાં પવન ખેરાએ કહ્યું હતું કે ‘ઇતિહાસ જોઇ લો, સરદાર વલ્લભભાઇ પટેલ, મહાત્મા ગાંધી ગુજરાતથી આવ્યા હતા. ગુજરાતે હંમેશા દેશને રસ્તો બતાવ્યો છે. હવે અમારી તરફ આશા સાથે જોઇ રહ્યો છે કે તમે આગળ વધો અને તમારી સાથે છીએ. કોંગ્રેસ જ્યારે પણ સંઘર્ષના માર્ગ પર આવે છે, તો દેશને લાભ થાય છે. કોંગ્રેસનું મૂળ સમર્પણ, સંકલ્પ અને સંઘર્ષ છે.
કોંગ્રેસના નેતાઓ શેખચિલ્લીના સપનાં જુએ છે
તો બીજી તરફ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ અધિવેશન પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે ’64 વર્ષ બાદ કોંગ્રેસને ગુજરાત યાદ આવ્યું છે. કોંગ્રેસ શાંત પાણીમાં કાંકરા નાખવાનું કામ કરી રહી છે. કોંગ્રેસ પરિવારવાદથી જ ચાલે છે. ભાજપના રાજમાં ગુજરાતમાં વિકાસ થઇ રહ્યો છે. આજે પણ કોંગ્રેસના નેતાઓ શેખચિલ્લીના સપનાં જુએ છે. આગામી 20 વર્ષ સુધી ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનવાની કોઇ સંભાવના નથી.