India Tariff Talk With USA: અમેરિકાએ ચીનની પ્રોડક્ટ્સ પર 125 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લેવાની સાથે અન્ય દેશો પર લાગુ ટેરિફમાં 90 દિવસની રાહત આપવાની જાહેરાત કરી છે. તેમજ ઘણા દેશો અમેરિકા સાથે ટેરિફ અને વેપાર મુદ્દે ચર્ચા કરવા તૈયાર હોવાનું પણ જણાવ્યું છે. જેમાં ભારત અગ્રણી હોવાની પ્રશંસા પણ કરી હતી.
અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે બુધવારે (9 એપ્રિલ) વ્હાઈટ હાઉસમાં એક પ્રેસ બ્રિફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, ભારત એક એવો દેશ છે, જે અમારી સાથે ટેરિફ મુદ્દે વાત કરવા અગ્રેસર છે. જ્યારે બીજી તરફ ચીને અમેરિકાના ટેરિફ પર સામો ટેરિફ લાદતાં તેના પર ટેરિફની ટકાવારી વધારી 125 ટકા કરવા નિર્ણય લીધો છે. કારણકે, ચીન વૈશ્વિક બજારમાં ખોટી રીતે બિઝનેસ કરે છે. ચીનની અર્થવ્યવસ્થા અસંતુલન પેદા કરી રહી છે. ટેરિફ માત્ર ચીન માટે નહીં, પણ એવા દેશો માટે છે, જે વેપાર નિયમોનું ઉલ્લંઘન કરે છે.
નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે ભાર મૂક્યો હતો કે, આ પ્રકારના પગલાંથી ચીન જેવા દેશો પર સૌનું ધ્યાન જશે, જે ગ્લોબલ ઈકોનોમીમાં અસંતુલન પેદા કરી રહ્યો છે. ટેરિફની જાહેરાતો વચ્ચે વેપાર મુદ્દે અમારી મુખ્ય વાતચીત ભારત, જાપાન અને સાઉથ કોરિયા સાથે થઈ રહી છે. આ તમામ ચીનના પાડોશી દેશ છે. અમારી સાથે ટેરિફ મુદ્દે વાત કરવા તૈયાર તમામ દેશોને અમે સમર્થન આપીએ છીએ, તેઓ પોતાનો પ્રસ્તાવ મૂકશે, અને અમે રિવોર્ડ પણ આપીશું. અમે તેમના માટે ટેરિફ ઘટાડી 10 ટકા કરવા વિચારી રહ્યા છે.
વિશ્વ ચીન તરફ નહીં, અમેરિકા તરફ છે
વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, વિશ્વ ચીનની તરફ નહીં, પરંતુ અમેરિકા તરફ જોઈ રહ્યું છે. કારણકે, તેમને આપણા બજારની જરૂર છે. મીડિયાએ ધ આર્ટ ઓફ ધ ડીલ અર્થાત ડીલની કળાને નજરઅંદાજ કરી છે. પરંતુ વાસ્તવમાં વિશ્વના અન્ય દેશો ચીનથી દૂર અને અમેરિકાની નજીક આવી રહ્યા છે.
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવૉર
અમેરિકાએ ચીન પર પહેલાં 35 ટકા ટેરિફ લાદ્યો હતો. જેનો જવાબ આપતાં ચીને અમેરિકા પર 34 ટકા ટેરિફ મૂક્યો હતો. બાદમાં અમેરિકાએ ચીન પર 104 ટકા ટેરિફ ફટકારતાં ચીને 84 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય બાદ અમેરિકાએ ચીન પર 125 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેમજ બાકીના 75 દેશો પર ટેરિફ 90 દિવસ સુધી લાગુ ન કરવાનો નિર્ણય પણ જાહેર કર્યો હતો.