Surat News: ગુજરાતના સુરતના કપોદ્રામાં બુધવારે (નવમી એપ્રિલ, 2025) પાણી પીધા બાદ 118 રત્નકલાકારોની તબિયત લથડી હતી. કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સ નામના કારખાનામાં 118 રત્નકલાકારોને પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી. મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની સેલફોસ નામની દવા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ભેળવી દીધી હોવાની સામે આવ્યું છે. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં 6 દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પાણીના કુલરમાં તપાસ કરતા સેલફોસની પડીકી મળી
મળતી માહિતી અનુસાર, સુરતના કાપોદ્રા વિસ્તારમાં મીલેનીયમ કોમ્પ્લેક્સમાં અનભ જેમ્સ નામનું હીરાનું કારખાનું આવેલું છે, જ્યાં પાણી પીધા બાદ 118 રત્નકલાકારોની તબિયત લથડી હતી. જેથી પાણીના કુલરમાં તપાસ કરતા તેમાં સેલફોસની પડીકી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ BNS 109 (1)ની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. જે જગ્યા પર ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નથી. કારખાનાથી વાકેફ હોય તેવા વ્યક્તિ એટલે કે કારખાના કારીગર દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી આશંકા છે. જેથી પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત 118 સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.