Vadodara Fraud Case: સેબી રજીસ્ટર વિનાની શેરબજારની અલગ અલગ એપ્લિકેશનોમાં વધુ નફાની લાલચે ટ્રેડિંગ કરાવી તેનો નફો એપ્લિકેશનમાં બતાવી જાણ વગર મોટા પ્રમાણમાં આઈપીઓ એલોટ કરી જો તે રકમ ન ભરે તો એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે તેમ કહી રૂ.2.93 કરોડ ઉપરાંતની રકમ પડાવી ચીટીંગના કેસમાં સંડોવાયેલ આરોપી બેંક કર્મીના કોર્ટે 15 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
શહેરના અકોટા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન વિક્રમભાઈ પટેલને બી વન ગ્લોબલ કેપિટલ સ્ટોક, ઇબ્રાદાસ, ફાસ્ટગ્રોવ્ નામની એપ્લિકેશનોમાં વધુ નફાની લાલચે શેર ખરીદી કરાવી તેના નફા એપ્લિકેશનોમાં બતાવી ફરિયાદીની માંગ વગર આઇપીઓ એલોટ કરાવી જો રકમ નહીં ભરો તો એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે તેમ જણાવી અલગ-અલગ વ્યક્તિઓએ અલગ-અલગ ખાતાઓમાં કુલ રૂ.2,93,71,000 જમા કરાવડાવી તે રકમ પરત ન કરી છેતરપિંડીની ફરિયાદ સાયબર સેલ સીઆઇડી ક્રાઈમ ગાંધીનગર ખાતે નોંધાવી હતી. જે પૈકીની રૂ.21.75 લાખની રકમ મહાદેવ એન્ટરપ્રાઇઝના ખાતામાં ટ્રાન્સફર થઈ હોવાની વિગતો સપાટી પર આવી હતી. ડિટેક્ટિવ પીઆઇ જી.બી.ડોડીયા સાયબર ક્રાઈમ સેલ ગાંધીનગરએ આ ગુનામાં સંડોવાયેલ આરોપી બેંક કર્મચારીનો કબ્જો ટ્રાન્સફર વોરંટના આધારે મેળવી ગુનાની વધુ તપાસ હેતુ અત્રેની કોર્ટમાં આરોપીને રજુ કરી છ દિવસની પોલીસ કસ્ટડીની માંગ કરી હતી. સરકાર તરફે ડીજીપી અનીલ દેસાઈએ દલીલો કરી હતી. આ ગુનામાં અન્ય આરોપીના સગડ મેળવવા, ટેકનિકલ પુરાવા એકત્રિત કરવા, નાણાંનો ઉપયોગ કઈ દિશામાં થયો છે તે બાબતે, આરોપીએ ફ્રોડની રકમમાંથી રૂ.2.40 લાખ કમિશન રોકડ મેળવ્યું હોય , સહિતના પાસાઓની તલસ્પર્શી તપાસ કરવા આરોપીની પ્રત્યક્ષ હાજરી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ રાજકોટ તથા દિલ્હી ખાતે પણ ગુના નોંધાયા છે.
બેંક ક્રમીએ ખાતા દીઠ રૂ.60 હજાર કમિશન નક્કી કરી ફ્રોડની રકમમાંથી 2.40 લાખ કમિશન મેળવ્યું
પોલીસની તપાસમાં મિત કાલરીયા નામનો વ્યક્તિ મહાદેવ એન્ટરપ્રાઇઝ ખાતાનો ઉપયોગ ગેમિંગમાં કરતો હોય ખાનગી બેંકના કર્મચારી પ્રશાંત ગિરીશભાઈ યોગાનંદી (રહે-રિધ્ધિ વિલા એપાર્ટમેન્ટ, ખલીલપુર રોડ, જુનાગઢ/ મૂળ રહે- ગીર સોમનાથ) એ મીતને એક એકાઉન્ટ દીઠ રૂ.50 હજાર આપવાનું જણાવી આ ખાતા ઉપરાંત અન્ય ત્રણ ખાતા મયુર ઠક્કર અને કિશન ઠક્કરને એકાઉન્ટ દીઠ રૂ. 60 હજાર કમિશનની લાલચે આપ્યા હતા. અને તે ખાતાના રજીસ્ટર મોબાઇલ નંબર તથા ઇમેલ આઇડી પણ ચેન્જ કર્યા હતા.