Congress Adhiveshan: ‘ગુજરાતમાં કોંગ્રેસની જરૂર કેમ’, 100 વર્ષમાં પહેલીવાર અધિવેશનમાં ખાસ પ્રસ્તાવ પસાર

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Congress Adhiveshan: 64 વર્ષ બાદ અમદાવાદ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાતમાં કોંગ્રેસની જરુર કેમ? એ ખાસ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરાયો હતો. કોંગ્રેસના 100 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે કે, રાષ્ટ્રીય અધિવેશનમાં કોઇ એક રાજ્ય માટે ખાસ પ્રસ્તાવ રજૂ કરાયો હોય. આ પ્રસ્તાવને પગલે હાઈકમાન્ડ ગુજરાત કોંગ્રેસના નવનિર્માણને સજ્જ થયુ છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચૂંટણી આયોજનબદ્ધ રીતે લડવા નિર્ધાર વ્યક્ત કરાયો છે. નવી કોંગ્રેસ નવુ ગુજરાત સૂત્ર અપાયુ છે.

‘નવી કોંગ્રેસ નવુ ગુજરાત’

- Advertisement -

ગુજરાતમાં કોંગ્રેસની રાજકીય સ્થિતી બદથી બદતર થઇ છે. અત્યાર સુધીમાં 100થી વધુ ધારાસભ્યો સહિત અનેક કાર્યકરો કેસરિયો ખેસ ધારણ કરી ચૂક્યાં છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસી ધારાસભ્યોની સંખ્યા પણ 12 જ રહી છે. વિપક્ષપદ મળે તેવી સ્થિતી નથી. પંચાયતો-પાલિકા પર ભગવો લહેરાયો છે. આ સ્થિતીને પગલે હવે હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસને નવો ઓપ આપવા નક્કી કર્યુ છે.

અધિવેશન સ્થળે પત્રકાર પરિષદમાં પૂર્વ કેન્દ્રીય નેતા જયરામ રમેશે એ વાતનો ઉલ્લેખ કર્યો કે, ‘ગુજરાતમાં કોંગ્રેસ 30 વર્ષથી સાાથી દૂર રહી છે. આ જોતા કોંગ્રેસની દશા-દિશા નક્કી કરવા ગુજરાતમાં કોંગ્રેસની જરુર કેમ? એ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આગામી દિવસોમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓથી માંડીને મહિલાઓ, ખેડૂતો, નાના વેપારીઓ, લધુ ઉદ્યોગકારો ઉપરાંત તમામ સમાજ-વર્ગના લોકોમાં શું શું કરી શકાય તે રોડમેપ સાથે કોંગ્રેસ સજ્જ થશે. લોકો વચ્ચે જઇને એક અસરકારક વિપક્ષની ભૂમિકા અદા કરશે.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘ચીનની આયાત બંધ કરી દેવાતાં ઉદ્યોગો મરવાના વાંકે જીવી રહ્યાં છે. હવે ટેરિફને પગલે ગુજરાતના ઉદ્યોગો મૃતપ્રાય બની જશે. આરોગ્ય,શિક્ષણ સહિત અન્ય મુદ્દે વિવિધ રાજ્યોની સરખામણીમાં ગુજરાત પાછળ રહ્યુ છે. એરપોર્ટ-બંદરો પૂંજીપતિ મિત્રોને આપી દેવાયુ છે. જે રીતે ખાસ પ્રસ્તાવ રજૂ કરાયો છે તે જોતાં કોંગ્રેસ હાઈકમાન્ડ હવે ગુજરાતને લઈને સક્રિય થયુ છે. હવે નવી કોંગ્રેસ-નવુ ગુજરાતના નિર્માણ માટે કોંગ્રેસ સજ્જ થઈ છે.’

Share This Article