Gold Price All Time High: ટ્રેડવૉર અને ટેરિફવૉરના કારણે સર્જાયેલા અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે સોના-ચાંદીમાં ફરી પાછી તેજી આવી છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવ રેકોર્ડ 3200 ડોલર પ્રતિ ઔંસની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચતાં સ્થાનિક બજારોમાં પણ ભાવ રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. એમસીએક્સ સોનાએ પણ નવી સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ 3255.90 ડોલર પ્રતિ ઔંસની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું. આ સપ્તાહે ગોલ્ડમાં 5 ટકાથી વધુ ઉછાળો નોંધાયો છે.
અમદાવાદમાં સોનામાં રૂ. 2300નો ઉછાળો
અમદાવાદમાં સોનાનો ભાવ આજે રૂ. 2300ના ઉછાળા સાથે ઐતિહાસિક ટોચે 96300 પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો હતો. ચાંદી પણ રૂ. 1000 વધી રૂ. 94000 પ્રતિ કિગ્રાના સ્તરે ક્વોટ થઈ હતી. છેલ્લા ત્રણ દિવસમાં સોનું રૂ. 5100 પ્રતિ 10 ગ્રામ વધ્યું છે. સોનું આઠ એપ્રિલના રોજ રૂ. 300ના ઘટાડા સાથે રૂ. 91200 પ્રતિ 10 ગ્રામ થયું હતું. જે આજે રેકોર્ડ રૂ. 96300 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે.
MCX ગોલ્ડ પણ લાઈફટાઈમ હાઈ
MCX ગોલ્ડ પણ તેજી સાથે ખૂલ્યા બાદ રૂ. 93736 પ્રતિ 10 ગ્રામના લાઈફટાઈમ હાઈ લેવલે પહોંચ્યું હતું. એમસીએક્સ ગોલ્ડ 5 જૂન વાયદો સાંજે 5.20 વાગ્યે રૂ. 1290ના ઉછાળા સાથે રૂ. 93323 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. એમસીએક્સ ચાંદી પણ (5 મે, વાયદો) રૂ. 1190 ઉછળી રૂ. 92785 પ્રતિ કિગ્રા પર ટ્રેડેડ હતી.
સોના-ચાંદીમાં તેજીના કારણો
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવૉર અને જિઓ-પોલિટિકલ ટેન્શન વચ્ચે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાઓ વધી છે. ડોલર નબળો પડ્યો છે. બોન્ડ યીલ્ડ નબળી પડી છે. જેના લીધે રોકાણકારો સેફહેવન એસેટ્સમાં હેજિંગ પોઝિશિન લઈ રહ્યા છે. સ્થાનિક સ્તરે રૂપિયો મજબૂત બન્યો છે. જેનો લાભ કિંમતી ધાતુને મળ્યો છે. આગામી સમયમાં એમસીએક્સ ગોલ્ડ 94500-95000 પ્રતિ 10 ગ્રામની રેન્જમાં રહેવાની શક્યતા કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે. સપોર્ટ લેવલ રૂ. 92000 છે. બીજી તરફ ટ્રમ્પ દ્વારા ટેરિફમાં 90 દિવસની રાહતથી ઔદ્યોગિક સ્તરે ચાંદીની ખરીદી વધી છે. જેથી ચાંદીનો ચળકાટ વધ્યો છે.