Loan Against Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ સામે લોન, પર્સનલ લોન કરતાં સસ્તો વિકલ્પ, રોકાણકારોને મળશે નીચો વ્યાજદર

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Loan Against Mutual Fund: રિટેલ રોકાણકારોમાં આજકાલ મ્યુચ્યુઅલ ફંડની અવેજમાં લોન લેવાનું ચલણ વધ્યું છે. તેઓ હવે લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવાનું મહત્ત્વ સમજી રહ્યા છે. તેમજ પર્સનલ લોનની તુલનાએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ પર મળતી લોનના વ્યાજદર નીચા હોવાથી આ વિકલ્પ અપનાવી રહ્યા છે. ટૂંકાગાળાની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવા માટે રોકાણકારો પોતાના મ્યુચ્યુઅલ ફંડ રોકાણ પર લોનનો વિકલ્પ ચકાસી શકે છે.

મંદીના માહોલમાં મ્યુચ્યુઅલ ફંડ પર લોન

- Advertisement -

શેરબજારમાં મંદીનો માહોલ સર્જાયો છે. એવામાં હવે જાગૃત રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચી લેવાના બદલે કમાણીનો અને ટૂંકાગાળાની જરૂરિયાતો પૂરી કરવાનો નવો વિકલ્પ અપનાવી રહ્યા છે. ઘણા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડના બદલામાં લોન લઈ રહ્યા છે. જેનાથી તેઓ નીચા વ્યાજદર ઉપરાંત રોકાણ જાળવી રાખવાનો ફાયદો મેળવી રહ્યા છે.

પર્સનલ લોન કરતાં નીચું વ્યાજ

મ્યુચ્યુઅલ ફંડ રોકાણને ગિરો મૂકી લેવામાં આવતી લોનના વ્યાજદર સરેરાશ 8થી 15 ટકા હોય છે. પરંતુ મોટાભાગની મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ 10થી 11 ટકાના દરે લોન આપી રહી છે. બીજી તરફ પર્સનલ લોનના વ્યાજદર જોખમની ક્ષમતાના આધારે 13થી 20 ટકા સુધી હોય છે. વધુમાં પર્સનલ લોન પ્રક્રિયામાં ડૉક્યુમેન્ટેશનની જરૂર પડે છે. પ્રક્રિયા પણ ઘણીવાર જટિલ બને છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ રોકાણકારને તેમના રોકાણના આધાર પર સરળતાથી લોન પ્રદાન કરે છે. ટૂંકાગાળાની જરૂરિયાતને ધ્યાનમાં લેતાં રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ પર લોન લઈ રહ્યા છે. વધુમાં મ્યુચ્યુઅલ ફંડના ઈક્વિટીમાં રોકાણ પર સરેરાશ 14થી 15 ટકા રિટર્ન મળે છે. જેથી રોકાણકારને લોનના વ્યાજ દર સામે રિટર્ન વધુ મળે છે.

કોણ લાભ લઈ શકે છે

જે રોકાણકાર પાંચ વર્ષથી વધુ સમયથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં હોય તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ મારફત લોન મેળવવાનો વિકલ્પ શ્રેષ્ઠ છે. કારણકે, તેમના રોકાણ સામે 50થી 80 ટકા રકમ લોન પેટે મળી શકે છે. જેથી લાંબુ રોકાણ હોય તો સારી એવી રકમ લોન સ્વરૂપે મળી શકે છે. વધુમાં તેમના રિટર્નની એવરેજ પણ મહ્દઅંશે ઊંચી હોય છે, જેથી વ્યાજના દરનો બોજો નડતો નથી. ઉલ્લેખનીય છે, નવા રોકાણકાર પણ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સની અવેજમાં લોન લઈ શકે છે.

ઓવરડ્રાફ્ટની સુવિધા

મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે. જેમાં કંપની એક નિશ્ચિત રકમ ઉપાડવા મંજૂરી આપે છે. જેના પર એકસામટી રકમ પર કોઈ વ્યાજ ચૂકવવું પડતું નથી. ઉપયોગ કરવામાં આવેલી રકમ પર જ દરમહિને વ્યાજ ચૂકવવામાં આવે છે. તેમજ પોતાની સુવિધા અનુસાર તેની ચૂકવણી કરી શકે છે. વધુમાં ઘણી મ્યુચ્યુઅલ ફંડ લોન પર સમય પહેલાં ચૂકવણી પર વ્યાજદર શૂન્ય થાય છે.

Share This Article