Navsari Food Poisoning: નવસારીમાં હનુમાન જયંતિના પ્રસાદથી ફૂડ પોઇઝનિંગ, 100થી વધુ લોકોની તબિયત બગડી, આરોગ્ય વિભાગ સતર્ક

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Navsari Food Poisoning: ગુજરાતના નવસારીમાં 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી હતી. હનુમાન જયંતિના દિવસે પ્રસાદ ખાધા બાદ તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે. હાલ, ફૂડ વિભાગ દ્વારા પ્રસાદના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શું હતી ઘટના? 

- Advertisement -

મળતી માહિતી મુજબ, નવસારીના મટવાડા અને સામાપોર ગામે 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી હતી. હનુમાન જયંતિના દિવસે સામાપર અને મટવાડા ગામે ભેગા મળીને ભંડારાનું આયોજન કર્યું હતું. જ્યાં તમામ લોકોએ બજરંગબલીના દર્શન બાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો. પ્રસાદ ખાધા બાદ શનિવારે (12 એપ્રિલ) મોડી રાતથી 100થી વધુ લોકોને ઝાડા-ઉલટી તેમજ માથામાં દુખાવા જેવી સમસ્યા થઈ હતી. જ્યાં ફૂડપોઇઝનિંગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, કોઈ દર્દીને ગંભીર અસર ન થતાં તમામને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

ફૂડ વિભાગે હાથ ધરી તપાસ 

ભંડારામાં પ્રસાદ રૂપે પીરસવામાં આવેલી છાશ અને કેરીનો રસ શંકાસ્પદ હોવાની ચર્ચા છે. ફૂડ વિભાગ દ્વારા છાશ અને કેરીના રસના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ રિપોર્ટના આધારે ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી

નોંધનીય છે કે, ફૂડ પોઇઝનિંગની ઘટનામાં સૌથી વધુ બાળકો અસરગ્રસ્ત થયા હતાં. જોકે, રાત્રે જ તેમને સારવાર આપી દેવામાં આવી હતી. હાલ, તમામ બાળકો સુરક્ષિત છે. આરોગ્ય વિભાગની ટીમ માહિતી મળ્યાની સાથે જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Share This Article