Karnataka OBC Reservation: કર્ણાટકમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પંચે રાજ્યમાં અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામત વર્તમાન 32%થી વધારીને 51% કરવાની ભલામણ કરી છે. જો આ ભલામણ લાગુ કરવામાં આવે તો રાજ્યમાં કુલ અનામતનો આંકડો 85% સુધી પહોંચી જશે. તેમાંથી, 10% પહેલાંથી જ આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે અને 24% અનુસૂચિત જાતિ/જનજાતિ (SC/ST) માટે અનામત છે.
પંચે પોતાની ભલામણોમાં કહ્યું હતું કે, હાલમાં જ હાથ ધરાયેલા સામાજિક-આર્થિક અને શૈક્ષણિક સર્વે અનુસાર, કર્ણાટકની વસ્તીમાં ઓબીસી વર્ગનો હિસ્સો લગભગ 70 ટકા છે. પંચે વસ્તીના રેશિયોના આધારે અનામત લાગુ કરવાની વાત કરી છે. જેથી સરકારી સુવિધાઓ અને તકોના સમાન વિત્તરણ થઈ શકે. પંચના સર્વે રિપોર્ટમાં પછાત વર્ગની સંખ્યા 69.6 ટકા છે. તેમ છતાં રાજ્યમાં અડધાથી વધુ ઓછી વસ્તીને અનામતનો લાભ મળી રહ્યો છે. જો વસ્તીના આધારે અનામત આપવામાં ન આવી તો સરકારી સુવિધાઓ સમાન ધોરણે લોકો સુધી પહોંચી શકશે નહીં. ઉલ્લેખનીય છે, સર્વેની શરૂઆત 2015માં એચ. કંથરાજ દ્વારા થઈ હતી. ત્યારબાદ કર્ણાટક રાજ્ય પછાત વર્ગ પંચના અધ્યક્ષ જયપ્રકાશ હેગડેએ તેને પૂર્ણ કર્યો હતો. ફેબ્રુઆરી, 2024માં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને રિપોર્ટ સોંપ્યો હતો.