Anand Shah arrested in USA: અમેરિકન પોલીસે 39 લોકોની ધરપકડ કરી છે. અને આ તમામ પર જુગાર રમવા, મની લોન્ડરિંગ અને રેકેટ ચલાવવા જેવા અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ લિસ્ટમાં ભારતીય મૂળના આનંદ શાહનું નામ પણ સામેલ છે. 42 વર્ષીય આનંદ શાહને જુગાર રમવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ન્યુ જર્સીના એટર્ની જનરલ મેથ્યુ પ્લેટકિને આ વાતનો ખુલાસો કર્યો છે. યુએસ અધિકારીઓનું કહેવું છે કે આનંદ મોટા માફિયા ‘જૂથ લુચેસ ક્રાઇમ’ પરિવારનો ભાગ છે. અને લુચેસ ક્રાઇમ ફેમિલી એ ‘ઈટાલિયન-અમેરિકન માફિયા ક્રાઇમ’ ફેમિલી છે.
12 જગ્યાએ પાડ્યા હતા દરોડા
મેથ્યુના જણાવ્યા પ્રમાણે અમેરિકન પોલીસે 4 પોકર ક્લબ સહિત 12 જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન વિવિધ ગુનાઓના સંબંધમાં 39 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ સંદર્ભમાં આનંદ શાહ પર પણ જુગાર રમવાનો આરોપ લાગ્યો છે.
કોણ છે આનંદ શાહ
તમને જણાવી દઈએ કે, આનંદ શાહની ગણતરી ન્યુ જર્સીના ઉભરતા રાજનેતાઓમાં થાય છે. વર્તમાન સમયમાં તેઓ મ્યુનિસિપલ કાઉન્સિલર છે. ન્યુ જર્સીના પ્રોસ્પેક્ટ પાર્ક વિસ્તારમાંથી આનંદ શાહ બીજીવાર મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા છે. કાઉન્સિલર તરીકે આનંદ શાહ નગરપાલિકાના નાણાં, આર્થિક, વિકાસ અને વીમાની જવાબદારી આનંદ શાહ પર છે.
આનંદ શાહ પર શું છે આરોપો ?
મેથ્યુના કહેવા પ્રમાણે આનંદ શાહની ભ્રષ્ટ રાજનેતા તરીકેની ચર્ચાઓ શરુ થઈ છે. શરુઆતની તપાસમાં સામે આવ્યું કે, આનંદ શાહ લુચેસ ક્રાઇમ પરિવાર સાથે મળીને પોકર અને ઓનલાઈન સ્પોર્ટ્સબુક્સ જેવા ગેરકાયદેસર જુગારના વ્યવસાયનો એક ભાગ હતો. ઉલ્લેખનીય છે કે, લુચેસી ક્રાઈમ ફેમિલીની ગણતરી અમેરિકાના મોટા માફિયા જૂથોમાં થાય છે. આ ગ્રુપ રમતગમતની ટુર્નામેન્ટ પર સટ્ટો લગાવવાનું કામ કરતું હતું.
ભારતીય મૂળના વધુ એક વ્યક્તિની ધરપકડ
આનંદ સિવાય ભારતીય મૂળના અન્ય એક વ્યક્તિ, સમીર એસ નાડકર્ણીની પણ ધરપકડ કરવામાં આવી છે. 48 વર્ષીય સમીર પર સ્પોર્ટ્સબુક સબ-એજન્ટ એટલે કે પોકર હોસ્ટ હોવાનો આરોપ છે.