Pegasus Spyware News : પેગાસસના ખુલાસાથી મોદી સરકારના દાવાનો ફૂગ્ગો ફાટ્યો, નજર હવે સુપ્રીમ કોર્ટ પર

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Pegasus Spyware News : અમેરિકાની કોર્ટના દસ્તાવેજોમાં ભારતની નરેન્દ્ર મોદી સરકારે 100 લોકોની જાસૂસી કરાવી હોવાના ખુલાસો થયો તેના પગલે ભારતમાં ફરી પેગાસસ સ્પાયવેરનો મુદ્દો ગાજ્યો છે. અમેરિકન કોર્ટના દસ્તાવેજોએ મોદી સરકારને ખોટી સાબિત કરી છે. મોદી સરકારે જૂઠાણું ચલાવ્યું હોવાનું સાબિત કર્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટ મોદી સરકાર સામે આકરાં પગલાં લે અને જેમની જાસૂસી કરાઈ છે તેમનાં નામ જાહેર કરે એવી માગણી થઇ રહી છે.

પેગાસસની માલિક એનએસઓ દ્વારા અમેરિકાની કોર્ટને ક્યા દેશમાંથી કોની કોની જાસૂસી કરાઈ તેની વિગતો અપાઈ છે. વોટ્‌સએપ પાસે પણ આ વિગતો છે ત્યારે મોદી સરકાર આ વિગતો કેમ જાહેર કરતી નથી એ સવાલ પણ થઈ રહ્યો છે.

- Advertisement -

ભારતની સુપ્રીમ કોર્ટમાં 22 એપ્રિલે પેગાસસ દ્વારા જાસૂસી સામેની અરજીઓ પર સુનાવણી થવાની છે ત્યારે સુપ્રીમ કોર્ટ મોદી સરકારને જેમની જાસૂસી કરાઈ હતી એ લોકોનાં નામ જાહેર કરવાની ફરજ પાડીને સરકાર સામે દેશને ગેરમાર્ગે દોરવા બદલ કેસ નોંધવા આદેશ આપે એવો સૂર વ્યક્ત થઈ રહ્યો છે.

કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું હતું કે. ભારતના સર્વેલન્સ કાયદા અનધિકૃત જાસૂસીની મંજૂરી નથી આપતા તેથી પેગાસસ દ્વારા જાસૂસીની વાત ખોટી છે. વૈષ્ણવ સામે ખોટું બોલવા બદલ ક્રિમિનલ કેસ નોંધાય એવી પણ માગ ઉઠી છે.

- Advertisement -

પેગાસ સ્પાયવેર મુદ્દે થયેલી અરજીઓમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, ભારત સરકારની એજન્સીએ રાજકારણીઓ, કાર્યકરો અને પત્રકારોના વિવિધ વર્ગના વ્યક્તિઓ પર જાસૂસી કરવા માટે ઇઝરાયેલી લશ્કરી ગ્રડ સ્પાયવેરનો ઉપયોગ કર્યો હતો.

આ રીતે જાસૂસી કરીને તેમના પ્રાઈવસીના મૂળભૂત અધિકારોનો ભંગ કરાયો છે ત્યારે સુપ્રીમ કોર્ટે દેશના નાગરિકોના મૂળભૂત અધિકારોના ભંગ બદલ મોદી સરકાર સામે આકરાં પગલાં લેવાં જોઈએ એવો મત પણ બંધારણીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

- Advertisement -

આ અરજીઓમાં પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ પત્રકારો, કાર્યકરો, વિપક્ષી નેતાઓ અને અન્ય વ્યક્તિઓ પર જાસૂસી કરવા માટે કરવામાં આવ્યો હતો તેની સ્વતંત્ર તપાસ કરવાનો આદેશ આપવા વિનંતી કરાઈ છે.

માર્ક ઝુકરબર્ગના મેટાની માલિકીના વોટ્‌સએપે 2019માં એનએસઓ ગ્રુપ સામે અમેરિકાની કોર્ટમાં કેસ કર્યો હતો. 2024ના અંતમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે એનએસઓ ગ્રુપને આ કેસમાં દોષિત ઠેરવ્યું તેના પગલે કેટલાં લોકોની જાસૂસી થઈ તેના દસ્તાવેજો બહાર પડાયા છે.

પેગાસસની વાર્ષિક ફી 57 કરોડ, મોદી સરકારે કેટલા ચૂકવ્યા

ભારત સરકારે પેગાસસ સોફ્‌ટવેરની માલિક કંપની એનએસઓ ગ્રુપને કેટલી ફી ચૂકવી તેની વિગતો પણ છૂપાવાઈ રહી છે. આ કેસમાં વોટ્‌સએપ દ્વારા અગાઉ કરાયેલી રજૂઆતના સંદર્ભમાં પેગાસસ સ્પાયવેર માટે કેટલી ફી ચૂકવાઈ તેની પણ સ્પષ્ટતા કરાઈ હતી. એનએસઓ ગ્રુપ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું હતું કે એપ્રિલ 2018 અને મે 2020 વચ્ચે NSO ગ્રુપે તેના ગ્રાહકો પાસેથી એક વર્ષના લાયસન્સ માટે 68 લાખ ડોલર (રૂપિયા 57.3 કરોડ) વસૂલ્યા હતા.

આ ગ્રાહકો ઇઝરાયલ સરકાર દ્વારા મંજૂર કરાયેલી પસંદગીની સરકારી એજન્સીઓ હતી. મોદી સરકારે કેટલાં વર્ષ માટે લાયસન્સ લીધું હતું અને કેટલી ફી ચૂકવી તેની વિગતો પણ આપી નથી. મોદી સરકારે એક વર્ષ માટે પણ લાયસન્સ લીધું હોય તો ઓછામાં ઓછા 57 કરોડ રૂપિયા તો ચૂકવ્યા જ હશે. 100 લોકોની જાસૂસી કરાવવા માટે 57 કરોડ જેટલી જંગી રકમ ચૂકવવા પાછળ શું કારણ તેનો ખુલાસો પણ સરકારે કર્યો નથી.

Share This Article