Condition of Dalits in Gujarat : એક તરફ, ડો.બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ, શાંત-સલામત ગુજરાતમાં દલિતો અસલામતી અનુભવી રહ્યાં છે. માત્ર ગામડાઓમાં જ નહીં, પણ હવે તો શહેરોમાં ય દલિતો સલામત નથી..
છેલ્લાં એક વર્ષમાં જ 156 દલિત મહિલા દુષ્કર્મનો ભોગ બની
શહેરોમાં દલિતોના ખૂન-બળાત્કારના કિસ્સામાં વધારો નોંધાયો છે. ચિંતાજનક બાબત તો એછેકે, આજે ય ગુજરાતમાં 27 ગામડાઓમાં દલિતોને પોલીસ રક્ષણ આપવું પડ્યુ છે. આ પરથી ગુજરાતમાં દલિતોની કેવી સ્થિતી છે તે પ્રસ્થાપિત થયુ છે. ગુજરાતમાં દલિતોની સ્થિતી બદતર બની રહી છે. એક રિપોર્ટ મુજબ, વર્ષ 2024માં ગુજરાતમાં દલિતો પર અત્યાચારના કિસ્સા વધી રહ્યાં છે. એક જ વર્ષમાં 31 દલિતોના ખૂન થયાં છે, સુરતમાં 7, અમદાવાદ અને રાજકોટમાં 4-4 ખૂન થયા છે.
આ ઉપરાંત દલિતો પર થતાં હુમલાઓની કિસ્સા પણ વઘ્યાં છે. એક વર્ષમાં દલિતો પર 94 હુમલા થયા છે. 15 જિલ્લામાં દલિતો પર હુમલા થયા હોવાનું પોલીસ ચોપડે નોંધાયુ છે. સૌથી વઘુ હુમલા ભાવનગર અને ગીર સોમનાથમાં થયાં છે.
ગુજરાતમાં દલિતોની સ્થિતી બદતર બની
દલિતોના મસિહા હોવાનો સરકાર દાવો કરી રહી છે ત્યારે દલિત મહિલાઓ જ અસલામતી અનુભવી રહી છે. છેલ્લાં એક જ વર્ષમાં 156 દલિત મહિલાઓ બળાત્કારનો ભોગ બની છે. અમદાવાદમાં 18, કચ્છમાં 17 બળાત્કારના કેસો નોંધાયા છે. આ ઉપરાંત દલિત મહિલાઓ પર સુરત,રાજકોટ, પાટણ, બનાસકાંઠા અને જૂનાગઢમાં પર 8-8 બળાત્કારના કેસો નોંધાયા છે. દલિતો પર થતાં હુમલાઓની કિસ્સામાં ય નોંધપાત્ર વધારો થયો છે.
દલિત અત્યાચારના કેસો વઘ્યાં
15 જિલ્લામાં દલિતો પર હુમલા થયાં છે જેમાં ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 3, ખેડામાં 3, અમદાવાદ,કચ્છમાં 2-2 કિસ્સા નોધાયા છે. દલિતો પર થતાં અત્યાચારના આંકડા પરથી એ તારણો બહાર આવ્યાં છેકે, સલામત ગુજરાતમાં દલિતો સલામત રહ્યાં નથી. એટલું જ નહી, ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે હવે શહેરોમાં પણ દલિત અત્યાચારના કેસો વઘ્યાં છે.
દલિતો સાથે આજેય આભડછેટ દૂર થઇ શકી નથી. દલિતો સાથે પણ ભેદભાવભર્યુ વર્તન કરવામાં આવી રહ્યુ છે. કોઇને કોઇ કારણોસર દલિતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આજે પણ ગુજરાતના 27 ગામડાઓ એવાં છે જ્યાં દલિતોને પોલીસ રક્ષણ આપવું પડ્યુ છે. હુમલો થશે તેવા ભયના ઓથાર હેઠળ દલિતો ગુજરાતમાં જીવી રહ્યાં છે.