Prateik Gandhi: પ્રતીક ગાંધીની આગામી ફિલ્મ ‘ફૂલે’ બ્રાહ્મણ સંગઠનોના વિરોધના કારણે વિવાદમાં સપડાઈ છે. આ દરમિયાન પ્રતીક ગાંધીએ લોકોને આ ફિલ્મ જોયા વિના તેના વિશે અભિપ્રાય નહિ બાંધવા અપીલ કરી છે. આ ફિલ્મ સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલેની બાયોપિક છે. તેમાં પત્રલેખાએ મહાત્મા ફૂલેનાં પત્ની સાવિત્રીબાઈ ફૂલેની ભૂમિકા ભજવી છે.
આ વિવાદ તથા સેન્સર દ્વારા સૂચવાયેલા ફેરફારોને કારણે ફિલ્મ મૂળ પ્લાનિંગ પ્રમાણે તા. ૧૧મી એપ્રિલે રજૂ થઈ શકી ન હતી. આ જ દિવસે સમાજસુધારક જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતી હતી. આ રીલિઝ ડેટ મિસ થઈ જવા અંગે પ્રતીકે નિરાશા પણ વ્યક્ત કરી છે.
પ્રતીકે જણાવ્યું હતું કે હજુ તો ફિલ્મનું ટ્રેલર જ રીલિઝ થયું છે. તેના આધારે ફિલ્મમાં શું દર્શાવાયું છે તે નક્કી કરી લેવાની ઉતાવળ કોઈ ન કરે તેવી મારી અપીલ છે.
આ ફિલ્મમાં સેન્સર બોર્ડ દ્વારા કેટલાક ફેરફાર સૂચવાયા છે. જેમ કે, ૩૦૦૦ વર્ષની ગુલામીના ડાયલોગને બદલે કેટલાંક વર્ષો જૂની ગુલામી એવો ફેરફાર કરવા સૂચવાયું છે. કેટલાક સંદર્ભો દૂર કરવા પણ સૂચવાયું છે.