Rajasthan ED Raid: ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) રાજસ્થાનના કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકારમાં મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસના ઘરે દરોડા પાડ્યા છે. આ દરોડા 2850 કરોડ રૂપિયાના ચિટ ફંડ કૌભાંડના સંદર્ભમાં પાડવામાં આવ્યા છે. પૂર્વ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે ઈડી પર આરોપ લગાવ્યો કે, ‘ઈડીની ટીમ કોઈપણ સૂચના આપ્યા વિના સીધી સિવિલ લાઇન્સ સ્થિત મારા ઘરે પહોંચી.’ આ ઉપરાંત તેમણે આ કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત ગણાવી છે.
ભાજપે ઈડીનો ઉપયોગ કર્યો
કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ ખાચરિયાવાસે ઈડીની કાર્યવાહી પર કહ્યું કે, ‘હું ઈડી ટીમ દ્વારા કરવામાં આવેલા દરોડાની પ્રતિક્રિયા આપીશ. મને આવી કોઈ કાર્યવાહીથી ડર નથી, પરંતુ ભાજપે ઈડીનો ઉપયોગ કરીને રાજકારણ ન કરવું જોઈએ.’
કોંગ્રેસ નેતાના ઘરે ઈડી કેમ પહોંચી?
અહેવાલો અનુસાર, કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ ખાચરિયાવાસના ઘરે ઈડીની આ કાર્યવાહી દેશના સૌથી ચર્ચિત 2850 કરોડ રૂપિયાના પર્લ એગ્રોટેક કૉર્પોરેશન લિમિટેડ (PACL) ચિટ ફંડ કૌભાંડ સાથે સંબંધિત છે. પીએસીએલ કેસમાં ખાચરિયાવાસની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. EDને શંકા છે કે પ્રતાપ સિંહની આ કૌભાંડમાં પરોક્ષ સંડોવણી રહી છે અને તેમને તેનો ફાયદો પણ મળ્યો છે.