Crude oil demand: ૨૦૨૫ માટે ક્રુડ તેલની વૈશ્વિક માગમાં વૃદ્ધિ મંદ પડીને દિવસ દીઠ ૭,૩૦,૦૦૦ બેરલ્સ રહેવા ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ)એ ધારણાં મૂકી છે. અગાઉની ધારણામાં એજન્સીએ દિવસ દીઠ ૩,૦૦,૦૦૦ બેરલ્સનો કાપ મૂકયો છે.૨૦૨૪માં ક્રુડ તેલની દિવસ દીઠ વૃદ્ધિનો સરેરાશ આંક ૯.૪૦ લાખ બેરલ્સ રહ્યો હતો.
ટેરિફ વોરને કારણે ફુગાવામાં વધારો થવાના, આર્થિક વિકાસ મંદ પડવાના તથા વેપાર વિવાદો વધવાના જોખમને ધ્યાનમાં રાખી આ ઘટાડો આવી પડયો છે. ૨૦૨૬માં તો માગ વૃદ્ધિ વધુ મંદ પડીને પ્રતિ દિન ૬,૯૦,૦૦૦ બેરલ્સ રહેવાની ધારણાં મૂકવામાં આવી છે.
૨૦૨૪માં ક્રુડ તેલની વૈશ્વિક માગ વધી દિવસ દીઠ ૯,૪૦,૦૦૦ રહી હતી. ૨૦૨૫ના પ્રથમ ત્રણ મહિનામાં ક્રુડ તેલનો જોરદાર વપરાશ જોવા મળ્યો હતો. પ્રથમ ત્રણ મહિનામાં ક્રુડ તેલના દૈનિક વપરાશમાં વાર્ષિક ધોરણે સરેરાશ૧૨ લાખ બેરલ્સનો વધારો થયો હતો.
આ અગાઉ ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કન્ટ્રીસ (ઓપેક) દ્વારા પણ વર્તમાન તથા આગામી વર્ષ માટે ક્રુડ તેલની દૈનિક માગ વૃદ્ધિમાં ૧,૦૦,૦૦૦ બેરલ્સનો ઘટાડો કરીને ૧૩ લાખ બેરલ્સ રહેવા ધારણાં મુકાઈ હતી.
ઓઈલ, ગેસ તથા રિફાઈન્ડ પ્રોડકટસને અમેરિકાએ ટેરિફમાંથી બાકાત રાખ્યા છે પરંતુ ટેરિફને લગતા અન્ય પગલાંઓને કારણે ફુગાવો વધવાના, આર્થિક વિકાસ મંદ પડવાના તથા વેપાર વિવાદ વધવાથી ક્રુડ તેલના ભાવ પર દબાણ આવવાના જોખમો રહેલા છે.
વિવિધ દેશો હાલમાં અમેરિકા સાથે વાટાઘાટ કરી રહ્યા છે ત્યારે સ્થિતિ હાલમાં પ્રવાહી છે અને નોંધપાત્ર જોખમો રહેલા છે એમ આઈઈએના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.