Donald Trump: અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે વસાહતીઓને દેશમાંથી તગેડી મુકવા, દુનિયાના દેશો પર ટેરિફ લાદવાની ધમકીઓ આપીને અનેક મોરચે ઘર્ષણ શરૂ કરી દીધા છે, તેમાં હવે ટ્રમ્પ સરકારે અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ સામે પણ બાંયો ચઢાવી છે. ટ્રમ્પ સરકારે હાર્વર્ડ અને કોલંબિયા જેવી યુનિવર્સિટીઓના ભંડોળ અટકાવી દીધા છે. સરકારનો દાવો છે કે આ યુનિવર્સિટીઓમાં યહુદી વિરોધી અને પેલેસ્ટાઈન તરફી દેખાવોને પ્રોત્સાહન મળી રહ્યું છે, જેથી આ યુનિવર્સિટીઓ જોખમી બની ગઈ છે.
ટ્રમ્પ સરકારે હાર્વર્ડ યુનિવર્સિટીનું ૨.૨ અબજ ડોલરનું ભંડોળ અટકાવી દીધું છે. સરકારનું કહેવું છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં છેલ્લા ૧૮ મહિનાથી પેલેસ્ટાઈન તરફી દેખાવો થઈ રહ્યા છે. યહુદી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો તરફ ભેદભાવ થઈ રહ્યો છે. આ યુનિવર્સિટી યહુદીઓ પ્રત્યેની નફરત અને પેલેસ્ટાઈનના લોકોના સમર્થનમાં દેખાવોને રોકવામાં નિષ્ફળ ગઈ છે. આ પ્રકારે ફેડરલ કાયદાનો ભંગ કરતી યુનિવર્સિટીઓને સરકારી ભંડોળ મેળવાનો અધિકાર નથી.
ટ્રમ્પે પ્રમુખ બન્યા પછી હાર્વર્ડ યુનિવર્સિટીને મળતી ૯ અબજ ડોલરના ફંડની સમીક્ષા શરૂ કરી દીધી હતી. સાથે જ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીને કેટલાક નીતિગત ફેરફારો કરવા જણાવ્યું હતું અને તેનું પાલન નહીં થાય તો ભંડોળ રોકવાની ધમકી આપી હતી. જોકે, હાર્વર્ડના પ્રોફેસરોએ ટ્રમ્પની વાત માનવાનો તો ઈનકાર કરી દીધો. સાથે તેમણે ટ્રમ્પ વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો અને તેને ગેરબંધારણીય તથા યુનિવર્સિટીની સ્વાયતત્તા પર હુમલો ગણાવ્યો.
ટ્રમ્પ તંત્રના આ નિર્ણય સામે સોમવારે હાર્વર્ડ ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ રણે ચઢ્યા છે. યુનિવર્સિટી કેમ્પસમાં હેન્ડસ-ઓફ હાર્વર્ડ નાં પ્લેકાર્ડઝ સાથે વિદ્યાર્થીઓએ દેખાવો યોજવા શરૂ કરી દીધા છે. હાર્વર્ડ માં ટોચના બુદ્ધિધનને જ પ્રવેશ મળી શકે છે. ત્યાંના અધ્યાપકો પણ પોતાના વિષયમાં નિષ્ણાત હોય છે. આ યુનિવર્સિટી વાસ્તવમાં સંપૂર્ણ રીતે સ્વાયત્ત છે. તેમાં વહીવટી તંત્રનો હસ્તક્ષેપ વિદ્યાર્થીઓ કે તેના અધ્યાપકો સ્વીકારી શકે જ નહીં.
ટ્રમ્પ વહીવટી તંત્રના શિક્ષણ વિભાગે કહ્યું હતું કે, ‘આ યુનિવર્સિટીમાં મુશ્કેલી ઉભી કરે તેવી વિચારધારા વહી રહી છે. તેમાં યહુદી વિરોધી અને પેલેસ્ટાઇન તરફી પ્રવાહ વહી રહ્યો છે અને છેલ્લા ૧૮ મહિનાથી આ ધમાલ-ધાંધલ ચાલી રહી છે. સમવાયતંત્રે આથી જ ફેડરલ કોન્ટ્રેકટસ તથા ગ્રાન્ટ મળીને જે ૯ અબજ ડોલર્સ અપાતા હતા. તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પૈકી ૨.૩ અબજ ડોલર્સની શૈક્ષણિક સહાય પણ આવરી લેવાઇ છે. કોલંબિયા યુનિવર્સિટીને અપાતી ૪ કરોડ ડોલરની સહાય પણ અટકાવાઈ છે.
આ પછી હાવર્ડના પ્રેસિડેન્ટ એલન ગાર્બટે એવું જાહેર પત્ર પ્રસિદ્ધ કર્યો છે તેમાં લખ્યું છે, ડીપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન દ્વારા ગત સપ્તાહે જાહેર કરેલા નિયમો હાવર્ડ કોમ્યુનિટી ઉપર નિયંત્રણ મૂકનારા છે. આથી જે યુનિવર્સિટીઓ- ખાનગી યુનિવર્સિટીએ – જ્ઞાનની આરાધના કરે છે. જ્ઞાન અંકુરિત પણ કરે છે અને જ્ઞાનનું આરોપણકરે છે, તે વિચારધારા ઉપર ભય છવાઇ રહે છે અને તે યુનિવર્સિટીની સ્વાયતત્તા પર સરકારની તરાપ સમાન છે.