Vipul Chaudhary Dudhsagar Dairy Scam: પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની મુશ્કેલી બોનસ કાંડને લઈને વધતી જોવા મળી રહી છે. મહેસાણા દૂધસાગર ડેરીના બોનલ કૌભાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે વિપુલ ચૌધરીને 10 હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસ ટ્રાયલ કોર્ટમાં ચાલશે. વિપુલ ચૌધરી દ્વારા ચાર્જફ્રેમ પર રોક લગાવવાની અરજી પણ હાઈકોર્ટે ફગાવી દી ધી છે.
14 કરોડથી વધુના કૌભાંડનો આરોપ
વર્ષ 2020માં ગાંધીનગર CID ક્રાઇમ પોલીસ મથકે પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી, તત્કાલિન ચેરમેન આશા ઠાકોર, તત્કાલિન વાઇસ પ્રેસિડેન્ટ મેઘજી પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર એન. જે બક્ષી સામે ડેરીમાં 14.80 કરોડનું બોનસ કૌભાંડ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસ વર્ષ 2022થી અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આવેલી સ્પેશિયલ ACB કોર્ટમાં ચાલી રહ્યો છે.
તપાસમાં સામે આવ્યું હતું કે, મહેસાણામાં દૂધસાગર ડેરીમાં 2015માં આશા ઠાકોર વાઇસ ચેરમેન અને વર્ષ 2016-20 દરમિયાન ઇન્ચાર્જ ચેરમેન હતાં. ડેરીના કર્મચારીઓને વધુ બોનસ આપવાનો ઠરાવ પાછળથી બુકમાં લખાયો હતો. આરોપ છે કે, આશા ઠાકોરે મેનેજિંગ ડિરેક્ટર નિશિથ બક્ષી મારફતે નાણાં મેળવી વિપુલ ચૌધરીને આપવાની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
કોર્ટે ફગાવી અરજી
મહેસાણા દૂધસાગર ડેરીના કર્મચારીઓને દિવાળી બોનસ આપવાના ઓથા હેઠળ 14 કરોડ રૂપિયાના કૌભાંડમાં આશા ઠાકોર અને વાઇસ ચેરમેન મોંઘજી ચૌધરીએ કરેલી ડિસ્ચાર્જ અરજી સિટી સિવિલ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું કે, આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરી શકાય તેટલા પુરા છે.