Gold Rate Today: વિશ્વબજાર પાછળ દેશના ઝવેરી બજારોમાં આજ સોનાના ભાવમાં રેકોર્ડ તેજી વેગથી આગળ વધતાં ભાવ નવી ઉંચી ટોચે પહોંચ્યા હતા. ચાંદીમાં પણ તેજી આગળ વધી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઉછળી ઔંશના ૩૩૦૦ ડોલરની ઉપર જતાં નવો ઈતિહાસ સર્જાયાનાી સમાચાર મળ્યા હતા. દિલ્હી બજારમાં સોનાના ભાવ ઉછલી આજે રૂ.૯૮ હજાર વટાવી રૂ.૯૮૧૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદમાં રૂ.૯૭૫૦૦ બોલાયા હતા.
વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપી વધતાં દેશના ઝવેરી બજારોમાં આજે વિક્રમી તેજી ચાલુ રહી હતી તથા ભાવ નવા શિખરે બોલાતા થયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ઝડપી રૂ.૧૯૦૦ વધી રૂ.૯૭ હજાર પાર કરી ૯૯૫ના ભાવ રૂ.૯૭૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૭૫૦૦ બોલાતાં ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. હવે નજર એક લાખના ભાવ પર રહી ચે, એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
વૈશ્વિક સ્તરે ચીન તથા અમેરિકા વચ્ચે ટેરીફ યુદ્ધના પગલે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેફ-હેવન બાઈંગ વધ્યાની ચર્ચા હતી. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૩૨૧૮થી ૩૨૧૯ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૩૩૧૭ થઈ ૩૩૦૬થી ૩૩૦૭ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ૩૨.૨૭થી ૩૨.૨૮ વાળા વધી ૩૩.૧૧થી ૩૩.૧૨ થઈ ૩૩.૦૨થી ૩૩.૦૩ ડોલ ર રહ્યા હતા. અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ વધી રૂ.૯૭ હજારને આંબી ગયા હતા જ્યારે દિલ્હી બજારમાં ચાંદીના ભાવ વધી રૂ.૯૯૪૦૦ બોલાયા હતા.
મુંબઈ બુલીયન બજારમાં જીએસટી વગર ભાવ વધી સોનાના ૯૯૫ના રૂ.૯૪૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૪૫૭૯ રહ્યા હતા જ્યારેમુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી ૯૬૫૭૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વૈશ્વિક સંજોગો જોતાં સોનાના ભાવ આ વર્ષે વધુ વધી ૩૬૦૦ ડોલર થવાની આગાહી એએનઝેડ બેન્કે કરી છે. દરમિયાન, ભારીતમાં ઉંચા મથાળે નવી માગ ધીમી પડી છે.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઉંચામાં ૯૭૪ થઈ ૯૭૨ ડોલર તથા પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૮૪ થઈ ૯૮૨ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૧૯ ટકા તૂટયા હતા.વૈશ્વિક ક્રૂડતેલના ભાવ વધી બેરલના બ્રેન્ટના ૬૫.૫૫ થઈ ૬૫.૩૦ ડોલર રહ્યા હતા. ભારતમાં સરકારે સોના-ચાંદીની ટેરીફ વેલ્યુ વધારતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી પણ વધી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.