Anurag Kashyap Slams Government: અનુરાગ કશ્યપ હાલમાં જ જાતિવાદને લઈને સરકાર અને સામાન્ય લોકો પર ભડક્યા છે. તેમણે કહ્યું છે કે ભારતમાં જાતિવાદ છે કે નથી, એ પહેલાં નક્કી કરી લો. આ ગુસ્સાનું કારણ હાલમાં પ્રતિક ગાંધીની ફિલ્મ ‘ફૂલે’ને લઈને ચાલી રહેલી કન્ટ્રોવર્સી છે. આ ફિલ્મમાં જાતિવાદને લઈને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને તેમાં બદલાવ કરવાનું જણાવાયું હતું. ત્યારબાદ બ્રાહ્મણ જાતિ દ્વારા આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે, જેના કારણે ફિલ્મની રિલીઝ લંબાઈ રહી છે.
આ મુદ્દે ભડકતાં અનુરાગ કશ્યપે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું: ‘ફિલ્મ ‘પંજાબ 95’, ‘તીસ’, ‘ધડક 2’ અને ‘ફૂલે’ જેવી હજી કેટલી ફિલ્મોને અટકાવવામાં આવશે એની મને સમજ નથી પડતી. આ ફિલ્મો ભારતમાં જાતિવાદ, પ્રાદેશિકવાદ અને જ્ઞાતિવાદ પર વાત કરે છે. સરકાર આ ફિલ્મોને અટકાવી રહી છે કારણ કે તેઓ પોતાનો જ ચહેરો અરિસામાં જોઈ શકતા નથી. તેઓ એટલા શરમમાં મૂકાઈ જાય છે કે એ વિશે ખુલીને વાત પણ નથી કરી શકતા. આ ફિલ્મ વિશે એવું તો શું છે જેનાથી તેમને ડર લાગે છે? એક નંબરના ડરપોક છે.’
આ પહેલી ફિલ્મ નથી જેમાં સેન્સર બોર્ડ દ્વારા કેટલાક બદલાવ કરવામાં આવ્યા હોય. આ પહેલી ફિલ્મ નથી જેને આ રીતે અટકાવવામાં આવી હોય. આ પહેલી ફિલ્મ નથી જેનો વિરોધ કરવામાં આવ્યો હોય.
View this post on Instagram
એક તરફ જ્યારે દેશ આગળ વધી રહ્યો છે એવી વાતો કરવામાં આવે છે, ત્યારે હજી પણ સમાજમાં શું ચાલી રહ્યું છે એ જોવા માટે સરકાર તૈયાર નથી. આ ફિલ્મોને રિલીઝ કરવામાં આવે તો તેમનો ભાંડો ફૂંટી જાય એવું તેમને લાગે છે.
આ મુદ્દે વધુ ભડકતાં અનુરાગ કશ્યપે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી: ‘ફિલ્મ ‘ધડક 2’ની સ્ક્રીનિંગ દરમિયાન સેન્સર બોર્ડે કહ્યું કે મોદીજીએ ભારતમાં જાતિવાદને જળમૂળથી કાઢી નાખી છે. એ જ કારણસર ‘સંતોષ’ પણ ભારતમાં રિલીઝ નહોતી થઈ. હવે બ્રાહ્મણોને ‘ફૂલે’થી સમસ્યા છે. તમે લોકો કોણ છો? તમને કેમ આટલી બધી સમસ્યા થઈ રહી છે? ભારતમાં જ્યારે જાતિવાદ જ નહોતો, તો પછી જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ કેમ હતાં? એ રીતે જોવામાં આવે તો બ્રાહ્મણ તો છે જ નહીં, કારણ કે મોદીજીના હિસાબે તો ભારતમાં જાતિવાદ છે જ નથી. આ બધા મળીને લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે. ભાઈ, તમે બધા મળીને એક વાર નક્કી કરી લો કે ભારતમાં જાતિવાદ છે કે નથી. લોકો મૂર્ખ નથી. તમે બ્રાહ્મણ છો કે પછી ઉપર બેઠેલા છે એ તમારા બાપ લોકો છે. નક્કી કરી લો.’