IPL 2025 DC vs RR: સુપર ઓવરનો થ્રિલ, સ્ટબ્સના છગ્ગાથી દિલ્હીનો રાજસ્થાન પર વિજય

Arati Parmar
By Arati Parmar 3 Min Read

IPL 2025 DC vs RR: આઈપીએલ 2025ના 32મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. જેમાં દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં રાજસ્થાન રૉયલ્સને હરાવ્યું છે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હીની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ 188 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 188 રન બનાવ્યા હતા, જેથી મેચ ટાઈ હતી અને મેચ સુપર ઓવરમાં ગઈ હતી. રાજસ્થાને સુપર ઓવરમાં 11 રન બનાવ્યા હતા, પરંતુ દિલ્હીએ ચાર બોલ પર જ મેચ પોતાના નામે કરી લીધી હતી. સુપર ઓવરમાં દિલ્હી માટે કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સ આવ્યા હતા અને સ્ટબ્સે છગ્ગો લગાવીને દિલ્હીને જીત અપાવી. આ જીત સાથે જ દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગઈ. છ મેચમાં પાંચ જીત સાથે તેમના 10 પોઈન્ટ થઈ ગયા છે.

રાજસ્થાન અને દિલ્હી વચ્ચે સુપરઓવર

રાજસ્થાનની ઇનિંગ (11 રન / 2 વિકેટ)

સુપર ઓવર દરમિયાન રાજસ્થાને પહેલા બેટિંગ કરી હતી. રાજસ્થાન તરફથી શિમરોન હેટમાયર અને રિયાન પરાગ બેટિંગ કરવા આવ્યા હતા, જ્યારે દિલ્હીએ ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કને બોલિંગ આપી હતી. પહેલા બોલ પર કોઈ રન નહોતો અને હેટમાયરે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. હેટમાયરે ત્રીજા બોલ પર એક સિંગલ લીધો અને પરાગ સ્ટ્રાઈક પર આવ્યો હતો. પરાગે ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, પરંતુ તેને નો બોલ જાહેર કરવામાં આવ્યો હતો. સ્ટાર્કે ફ્રી હિટ પર વાઈડ બોલ ફેંક્યો હતો, પરંતુ પરાગ દોડીને રન આઉટ થઈ ગયો હતો. પરાગ ચાર રન બનાવીને આઉટ થયો અને યશસ્વી જયસ્વાલ ક્રીઝ પર આવ્યો હતો. પાંચમાં બોલ પર હેટમાયર શોટ ફટકાર્યો અને બે રન માટે દોડ્યો. જોકે યશસ્વી રન આઉટ થઈ ગયો. રાજસ્થાને પાંચ બોલમાં 11 રન બનાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સની ઈનિંગ (13 રન / 0 વિકેટ)

સુપર ઓવરમાં ટાર્ગેટનો બચાવ કરવા માટે દિલ્હી કેપિટલ્સ તરફથી કેએલ રાહુલ અને ટ્રિસ્ટબ સ્ટબ્સ આવ્યા હતા. રાજસ્થાને સંદીપ શર્માને બોલિંગ આપી હતી. પહેલા બોલ પર કેએલ રાહુલે બે રન લીધા. રાહુલે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. ત્રીજા બોલ પર એક જ રન આવ્યો અને સ્ટબ્સ સ્ટ્રાઈક પર આવ્યો હતો. ચોથા બોલ પર સ્ટબ્સે છગ્ગો લગાવીને ટીમને જીત અપાવી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11

દિલ્હી કેપિટલ્સ: અક્ષર પટેલ (કેપ્ટન), જેક ફ્રેઝર મેગર્ક, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ અને મોહિત શર્મા.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: મુકેશ કુમાર, સમીર રિઝવી, દર્શન નાલકંડે, ડોનોવન ફરેરા, ત્રિપુરન વિજય.

રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસવાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, નીતિશ રાણા, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહિશ થિક્સાના, સંદીપ શર્મા અને તુષાર દેશપાંડે.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: શુભમ દુબે, યુદ્ધવીર સિંહ ચરક, કુમાર કાર્તિકેય, આકાશ મધવાલ, કુણાલ સિંહ રાઠોડ.

Share This Article