US Plane Hijack: એક અમેરિકન નાગરિકે ગુરૂવારે (17 એપ્રિલ) ચાકૂની અણીએ બેલીઝમાં ટ્રૉપિક એરના એક નાના વિમાનને હાઇજેક કરી લીધું. હુમલાખોરે ત્રણ લોકોને ચાકુથી ઈજાગ્રસ્ત કર્યા હતાં ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં વિમાનમાં સવાર મુસાફરે હુમલાખોર પર ગોળી ચલાવી હતી, જેનાથી તેનું મોત નિપજ્યું હતું.
ફ્લાઇટને દેશની બહાર લઈ જવાની કરી હતી માંગ
પોલીસ કમિશનર ચેસ્ટર વિલિયમ્સે જણાવ્યું હતું કે, વિમાન હવામાં હતું ત્યારે હુમલાખોરે ચાકૂ કાઢ્યું હતું અને સ્થાનિક ફ્લાઇટને દેશની બહાર લઈ જવાની માંગ કરી હતી. હાઇજેક કરનારની ઓળખ અમેરિકન નાગરિક અકિનેલા સવા ટેલર તરીકે થઈ છે. એવું લાગે છે કે તે કોઈ સૈનિક રહી ચુક્યો છે. ટેલર ચાકૂ લઈને વિમાનમાં કેવી રીતે ચઢ્યો તે સ્પષ્ટ નથી.
હુમલાખોર ત્રણ લોકો પર ચાકૂથી ઘા કર્યા
હાઇજેકિંગ દરમિયાન, વિમાન ઉત્તરી બેલીઝ અને રાજધાની બેલીઝ સિટી વચ્ચેના હવાઈ ક્ષેત્રમાં ચક્કર લગાવી રહ્યું હતું અને તેમાં બળતણ ઓછું થવા લાગ્યું હતું. હુમલાખોર ટેલરે વિમાનમાં સવાર ત્રણ લોકો પર ચાકૂથી ઘા કર્યા હતા, જેમાં પાઇલટ અને એક મુસાફરનો સમાવેશ થાય છે. ત્યારબાદ વિમાનમાં સવાર એક મુસાફરે લાઇસન્સવાળી બંદૂકથી હુમલાખોરને ગોળી મારી હતી.