Space Travel: સ્પેસ ટ્રાવેલ બિઝનેસ 1.47 લાખ કરોડ સુધી પહોંચશે, 52% વૃદ્ધિનો અંદાજ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Space Travel: તાજેતરમાં અંતરિક્ષયાત્રા સંબંધિત એક અદભુત ઘટના બની ગઈ. કેટી પેરી સહિત 6 મહિલા કે જેઓ સુનિતા વિલિયમ્સની જેમ પ્રશિક્ષિત, પ્રોફેશનલ અંતરિક્ષયાત્રી ન હોવા છતાં અંતરિક્ષની મુસાફરી કરીને પરત ફર્યાં. આ બનાવ એ વાતની સાબિતી છે કે અંતરિક્ષ પ્રવાસન ઉદ્યોગ કેટલો ઝડપથી વિકસી રહ્યો છે. આ ક્ષેત્રમાં વિકાસની એટલી બધી સંભાવનાઓ છે કે ઘણી કંપનીઓ આ દિશામાં આગળ વધી રહી છે.

લાખો, કરોડો નહીં, અબજોનું બજાર છે

- Advertisement -

વર્ષ 2023માં વૈશ્વિક અંતરિક્ષ પ્રવાસન બજારનું કદ 96,114 કરોડ રૂપિયા હતું. 2032 સુધીમાં તે 1.47 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જવાનો અંદાજ છે. અંતરિક્ષ પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થતાં માનવજાતને નવીન અને અભૂતપૂર્વ તકો સાંપડશે. આ ઉદ્યોગમાં આવનાર પરિવર્તનો આપણી જીવનશૈલીને ધરમૂળથી બદલી નાંખે એવું પણ બની શકે.

સેંકડો ફ્લાઈટ્સ અંતરિક્ષની સફરે લઈ જશે

કેટી પેરી વાળી ફ્લાઈટ તો બસ શરૂઆત છે. દુનિયામાં હજુ લગભગ 1000 એવા લોકો છે જે અંતરિક્ષયાત્રાની ટિકિટ બુક કરાવી ચૂક્યા છે અને એમનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. અંતરિક્ષયાત્રા માટેની તેમની તાલીમ ચાલુ છે. આજે જે રીતે વિમાનયાત્રા સામાન્ય થઈ ગઈ છે એવું ભવિષ્યમાં અંતરિક્ષયાત્રા બાબતે થવાનું છે. વર્ષમાં 400 ફ્લાઈટ્સ અંતરિક્ષદર્શને લઈ જશે, એવો સમય આવશે.

અંતરિક્ષયાત્રીઓની સલામતીની ચિંતા, મોંઘી ટિકિટો અને ઊંચો નિભાવ ખર્ચ જેવા પડકારો હોવા છતાં આ ઉદ્યોગમાં ઘણી તકો છે, જેને લીધે આ ક્ષેત્રમાં અનેક કંપનીઓ મબલખ રોકાણ કરી રહી છે. એમાં નીચે જણાવેલી આઠ કંપનીઓ અગ્રેસર છે.

1) સ્પેસએક્સ 

ઈલોન મસ્કની આ કંપની અંતરિક્ષયાત્રા માટે ફરી-ફરીને વાપરી શકાય તેવી રોકેટ ટેક્નોલોજી વિકસાવી રહી છે. સ્પેસએક્સનો ઉદ્દેશ્ય અંતરિક્ષ સંશોધનને એક નવા યુગમાં લઈ જવાનો છે.

2) બ્લુ ઓરિજિન 

જેફ બેઝોસની માલિકીની ‘બ્લુ ઓરિજિન’ કંપની અંતરિક્ષયાત્રા માટે નવી પદ્ધતિઓ વિકસાવી રહી છે. તેનો ઉદ્દેશ્ય અંતરિક્ષયાત્રાને સુરક્ષિત અને સુલભ બનાવવાનો છે.

3) વર્જિન ગેલેક્ટિક

રિચાર્ડ બ્રેન્સન દ્વારા સ્થાપિત આ કંપની સબઓર્બિટલ ફ્લાઈટ્સ માટે વાહનો વિકસાવી રહી છે. વર્જિન ગેલેક્ટિકનો ઉદ્દેશ્ય અંતરિક્ષ પ્રવાસનને એક નવા સ્તરે લઈ જવાનો છે.

4) બોઈંગ 

વિમાન ક્ષેત્રે સફળતાના પરચમ લહેરાવનારી આ કંપની હવે અંતરિક્ષ ક્ષેત્રે ઉડાન ભરવા તૈયાર છે. બોઈંગ અંતરિક્ષ પ્રવાસન માટે નવા વાહનો વિકસાવી રહી છે. તેનો ઉદ્દેશ્ય અંતરિક્ષયાત્રાને સલામત અને કાર્યક્ષમ બનાવવાનો છે.

5) એક્સિઅમ સ્પેસ 

એક્સિઅમ સ્પેસ કંપની વિશ્વનું પહેલું કમર્શિઅલ સ્પેસ સ્ટેશન ‘એક્સિઅમ સ્ટેશન’ બનાવી રહી છે. આ કંપની દ્વારા ભારતીય અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લાને મે મહિનામાં અંતરિક્ષમાં મોકલવામાં આવે એવી શક્યતા છે.

6) સ્પેસ એડવેન્ચર્સ

આ કંપનીનો ઉદ્દેશ્ય અંતરિક્ષ સંશોધનમાં નવી તકો પૂરી પાડવાનો છે. અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડી.સી.માં સ્થિત આ કંપની એરિક એન્ડરસનની માલિકીની છે.

7) ઝીરો ગ્રેવિટી કોર્પોરેશન 

ઝીરો ગ્રેવિટી કોર્પોરેશન કંપની ઝીરો ગ્રેવિટીના અનુભવો પ્રદાન કરે છે. ફ્લોરિડા સ્થિત આ કંપનીના માલિક જોસેફ હેન્રી સેડન છે.

8) સ્પેસ પર્સ્પેક્ટિવ 

આ કંપની સ્ટ્રેટોસ્ફિયરમાં ઉડાન માટે વાહનો વિકસાવી રહી છે. સ્પેસ પર્સ્પેક્ટિવનો ઉદ્દેશ્ય અંતરિક્ષ સંશોધનમાં નવીન તકો સર્જવાનો છે.

TAGGED:
Share This Article